મોદી-પુતિન બેઠક: દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા અને વૈશ્વિક રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે અહીં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી, જેમાં બંને પક્ષોએ રાજકીય, આર્થિક, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, કૌશલ્ય વિકાસ વગેરે ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ
મોદી-પુતિન બેઠક


નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે અહીં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી, જેમાં બંને પક્ષોએ રાજકીય, આર્થિક, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, કૌશલ્ય વિકાસ વગેરે ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને વૈશ્વિક તેમજ ભૂ-રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં યુક્રેન યુદ્ધ, કાળા સમુદ્ર ક્ષેત્રમાં વ્યાપારી જહાજો પર હુમલા અને ભારતીય નાવિકોની સુરક્ષાના મુદ્દાઓ પણ સામેલ હતા.

પુતિન ભારતની અધ્યક્ષતામાં આવતીકાલથી શરૂ થઈ રહેલા 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે વહેલી સવારે અહીં પહોંચ્યા છે અને તેઓ ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે.

ભારત મંડપમમાં બપોરના લગભગ સાડા ત્રણ વાગ્યે થયેલી આ મુલાકાત વિશે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, બેઠકમાં બંને નેતાઓએ રાજકીય, આર્થિક, સંરક્ષણ, ઊર્જા, અવકાશ, કૌશલ્ય ગતિશીલતા અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે રશિયાના આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક પ્રદર્શન ઇનોપ્રોમ ઇન્ડિયાનું સ્વાગત કર્યું, જે પ્રથમ વખત ભારતમાં 9-11 સપ્ટેમ્બર 2026ના રોજ આયોજિત કરવામાં આવ્યું અને વેપાર તથા ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં તેના મહત્વ પર ભાર મૂક્યો. બંને નેતાઓએ ઇનોપ્રોમ ઇન્ડિયા પ્રદર્શનની મુલાકાત પણ લીધી અને સહભાગીઓ સાથે વાતચીત કરી.

વિદેશ મંત્રાલય અનુસાર, નેતાઓએ બહુપક્ષીય ક્ષેત્રમાં ભારત-રશિયાના જોડાણ, ખાસ કરીને 2026માં ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સના સંદર્ભમાં, વિચારોનું આદાનપ્રદાન કર્યું. તેમણે પરસ્પર હિતના મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ દૃષ્ટિકોણ શેર કર્યા, જેમાં પશ્ચિમ એશિયા અને કાળા સમુદ્ર ક્ષેત્રમાં સંઘર્ષોનો સમાવેશ થાય છે, જેની દરિયાઈ વેપાર અને ભારતીય નાવિકોની સુરક્ષા પર અસર પડી છે. વડાપ્રધાને ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે વાતચીત અને રાજદ્વારી જ સંઘર્ષોને ઉકેલવાનો સાચો માર્ગ છે અને ભારત શાંતિ પ્રયાસોમાં મદદ કરવા તૈયાર છે.

બંને નેતાઓ બંને દેશો વચ્ચેની 'વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી'ને વધુ મજબૂત કરવાના પ્રયાસોને આગળ વધારવા સંમત થયા અને તેમણે સ્વીકાર્યું કે, આ ભાગીદારીમાં સતત નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે અને તેણે ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ છતાં મજબૂતી દર્શાવી છે.

વડાપ્રધાન મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનની આ વર્ષે આ બીજી મુલાકાત હતી. બંને નેતાઓ આ પહેલા 31 ઓગસ્ટ 2026ના રોજ બિશ્કેકમાં 26મા શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને 24મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયા આવવાનું આમંત્રણ આપ્યું. વડાપ્રધાન મોદીએ આમંત્રણ સ્વીકારી લીધું. શિખર સંમેલનની તારીખો રાજદ્વારી માધ્યમો દ્વારા પરસ્પર સુવિધા અનુસાર નક્કી કરવામાં આવશે.

બેઠકમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને 'તિરુક્કુરલ'નો રશિયન અનુવાદ ભેટ આપ્યો, જે મહાન તમિલ કવિ તિરુવલ્લુવરના શાશ્વત ઉપદેશો પર આધારિત છે અને તેનો અનેક ભાષાઓમાં અનુવાદ તેમના ઉપદેશોને ભાષાઓ અને સીમાઓ પાર પહોંચાડે છે.

હિન્દુસ્થાન સમાચાર/સચિન બુધૌલિયા/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande