
કોલકતા, નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.): પશ્ચિમ બંગાળમાં પાંચ દિવસની બેંકિંગ વ્યવસ્થા લાગુ કરવાની માંગ સાથે દેશભરના બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા છે. બેંકિંગ ક્ષેત્રના યુનિયનો સરકાર પર પાંચ દિવસની બેંકિંગ વ્યવસ્થા લાગુ કરવા માટે દબાણ કરી રહ્યા છે.
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશનના ઉપપ્રમુખ સુભ્રજ્યોતિ ચેટર્જીએ જણાવ્યું હતું કે, શુક્રવારની બેંક હડતાળનો મુખ્ય મુદ્દો પાંચ દિવસની બેંકિંગ વ્યવસ્થા લાગુ કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે આ મુદ્દા પર 28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે, જો સરકાર આ મુદ્દાનો ઉકેલ નહીં લાવે તો 26 ઓક્ટોબરથી સતત હડતાળની ચેતવણી આપવામાં આવી છે. તેમના મતે, બેંક યુનિયનો પાસે અન્ય ઘણી માંગણીઓ છે, પરંતુ પાંચ દિવસની બેંકિંગ વ્યવસ્થા લાગુ કરવી આ સમયે સૌથી મહત્વપૂર્ણ માંગ છે.
સુભ્રજ્યોતિ ચેટર્જીએ દાવો કર્યો હતો કે, સરકારે પાંચ દિવસની બેંકિંગ વ્યવસ્થા લાગુ કરવાના પ્રસ્તાવને પહેલાથી જ સ્વીકારી લીધો છે. તેમણે કહ્યું કે, 2024 ના દ્વિપક્ષીય કરાર અને બેંકિંગ ઉદ્યોગના વેતન સુધારણા કરાર દરમિયાન પાંચ દિવસની બેંકિંગ પર સંમતિ સધાઈ હતી. તેમ છતાં, તેનો હજુ સુધી સંપૂર્ણ અમલ થયો નથી.
બેંક અધિકારીઓ કહે છે કે, પાંચ દિવસની બેંકિંગ સિસ્ટમ લાગુ કરવાથી બેંક કર્મચારીઓને શનિવાર અને રવિવારની રજા મળશે. યુનિયનો દલીલ કરે છે કે આનાથી કર્મચારીઓ માટે કાર્ય-જીવન સંતુલન સુધરશે, જ્યારે ગ્રાહકો ડિજિટલ બેંકિંગ અને અન્ય ઓનલાઈન સેવાઓ દ્વારા અવિરત બેંકિંગ સેવાઓ મેળવતા રહેશે.
બેંક યુનિયનોએ સરકાર પાસે પાંચ દિવસની બેંકિંગ સિસ્ટમ લાગુ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી પણ આપી છે કે જો માંગ પર સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને તબક્કાવાર રીતે વિસ્તૃત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / સંતોષ વિશ્વકર્મા / સંતોષ મધુપ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ