
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.). વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વૈશ્વિક રાજકીય અને આર્થિક વ્યવસ્થા ઉથલપાથલ, અસ્થિરતા અને જટિલતાઓમાંથી પસાર થઈ રહી છે. ભૂ-રાજકીય સંઘર્ષો, મહામારીઓ અને આબોહવા સંબંધિત વિક્ષેપોની આર્થિક અસર વચ્ચે સ્થિતિસ્થાપકતા હવે કોઈપણ દેશની આર્થિક વ્યૂહરચનાનું કેન્દ્રીય તત્વ બની ગયું છે. તેમણે કહ્યું કે, આવા સમયમાં નવીનતા, ટકાઉ વિકાસ અને મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓ સાથે આર્થિક આંચકાઓનો સામનો કરવાની ક્ષમતા વધારવી આવશ્યક છે.
બ્રિક્સ વેપાર મંચને સંબોધિત કરતા જયશંકરે જણાવ્યું હતું કે, ઝડપથી થઈ રહેલા ડિજિટલાઇઝેશન અને તકનીકી પ્રગતિએ વિકાસ, ઉત્પાદકતા અને આર્થિક વિસ્તરણ માટે નવી તકો ઊભી કરી છે, પરંતુ તેની સાથે નવા જોખમો પણ સામે આવ્યા છે. તેથી, દેશોએ બદલાતી પરિસ્થિતિઓનો અંદાજ લગાવવા, તેના અનુરૂપ પોતાને ઢાળવા અને અસરકારક રીતે પ્રતિક્રિયા આપવાની ક્ષમતા વિકસાવવી પડશે.
તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિઓમાં બ્રિક્સની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. બ્રિક્સ અલગ-અલગ સંસાધનો, બજારો, ક્ષમતાઓ અને અનુભવો ધરાવતી અર્થવ્યવસ્થાઓને એક મંચ પર લાવે છે. આ સભ્ય દેશોને પોતાના દૃષ્ટિકોણ શેર કરવા, નક્કર વ્યવસ્થાઓ વિકસાવવા અને આર્થિક સહયોગની નવી તકો શોધવા માટે એક મંચ પૂરો પાડે છે.
વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારો વચ્ચે સહયોગ જરૂરી માળખું તૈયાર કરી શકે છે, પરંતુ વેપાર જગત જ તેને વાસ્તવિક આર્થિક સ્વરૂપ આપે છે. બ્રિક્સની સંભાવનાઓને નક્કર પરિણામોમાં બદલવામાં વેપારી સમુદાય મહત્વપૂર્ણ ભાગીદાર છે. બ્રિક્સ વેપાર પરિષદ અને બ્રિક્સ મહિલા વેપાર ગઠબંધન ઉદ્યોગ, ઉદ્યોગસાહસિકો અને વેપારી નેતૃત્વની ભાગીદારીને બ્રિક્સ પ્રક્રિયા સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
જયશંકરે જણાવ્યું હતું કે, સપ્લાય ચેઇન કનેક્ટિવિટી અને વેપાર સુગમતા મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ છે. આ સાથે સેવાઓ, કૃષિ અને કૃષિ-ટેકનોલોજી, ડિજિટલ સેવાઓ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોના વેપારીઓ માટે ભાગીદારો શોધવા, બજારો સુધી પહોંચ બનાવવી અને સપ્લાય નેટવર્કને જોડવું સરળ બનાવવું જોઈએ.
તેમણે કહ્યું કે, વધુ આર્થિક પ્રવૃત્તિથી આર્થિક સુરક્ષા અને આત્મનિર્ભરતા મજબૂત બને છે. આ માટે ભરોસાપાત્ર લોજિસ્ટિક્સ વ્યવસ્થા, અનુમાનિત વેપારી વાતાવરણ, વૈવિધ્યસભર વ્યાપારી સંબંધો તથા પારદર્શક વેપાર અને રોકાણ વ્યવસ્થા આવશ્યક છે.
વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ, કૃત્રિમ બુદ્ધિમત્તા, નાણાકીય ટેકનોલોજી અને અદ્યતન ઉત્પાદન મોટા અવસરો પૂરા પાડી રહ્યા છે. જોકે, આની સાથે પહોંચ, ધોરણો, સુરક્ષા અને વિશ્વાસ સંબંધિત પ્રશ્નો પણ છે. ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સના સ્ટાર્ટઅપ અને નવીનતા કેન્દ્રોને જોડવા તથા નવીનતા આધારિત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે પહેલ કરવામાં આવી છે.
જયશંકરે જણાવ્યું હતું કે, બ્રિક્સની સફળતા ફક્ત તેના વ્યાપક એજન્ડાથી નહીં, પરંતુ તેનાથી બનતી ભાગીદારીઓ, ઊભી થતી તકો અને પ્રાપ્ત થતા નક્કર પરિણામોથી નક્કી થશે. તેમણે વેપાર મંચને વ્યવહારિક મુદ્દાઓ પર ધ્યાન આપવા અને એ ઓળખવા આહ્વાન કર્યું કે, વેપારની તકો ક્યાં છે, પડકારો શું છે અને સરકારો તેમને દૂર કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ