
સુરત, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં શનિવારે રાત્રે ભોજન લીધા બાદ આશરે 100 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ફૂડ પોઈઝનિંગની આશંકાને પગલે તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને સારવાર માટે અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ ચિંતામાં હોસ્ટેલ પરિસરમાં પહોંચ્યા હતા. વાલીઓએ મેસમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં અગાઉ પણ વાસી અને અખાદ્ય ભોજન પીરસવામાં આવતું હોવાની ફરિયાદો વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવી હતી.
વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે બપોરે વધેલું ભોજન રાત્રે પીરસવામાં આવતું હતું. યોગ્ય ભોજન ન મળતાં કેટલીક વિદ્યાર્થિનીઓને માત્ર સાદો ભાત ખાઈને દિવસ પસાર કરવાની ફરજ પડતી હોવાની ફરિયાદો પણ સામે આવી છે.
લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવતી હોવા છતાં વિદ્યાર્થિનીઓના આરોગ્ય અને ભોજનની ગુણવત્તા અંગે બેદરકારી રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરી વાલીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. મેસ અને રસોડાની વ્યવસ્થા સંભાળતા જવાબદારો સામે તાત્કાલિક તપાસ કરી કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
હાલ તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને મેસમાં પીરસવામાં આવેલા ભોજનના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ વિદ્યાર્થિનીઓની તબિયત ખરાબ થવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે