


કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છની વિશિષ્ટ ઘાસભૂમિ અને ખુલ્લા કુદરતી પર્યાવરણના સંરક્ષણને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભુજ ખાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડના સંરક્ષણ, ઘાસભૂમિના પુનઃસ્થાપન અને પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાતમાં ઘોરાડના સંરક્ષણ માટે તૈયાર કરાયેલ ‘ગુજરાત એક્શન પ્લાન’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત વન વિભાગના સહયોગથી તૈયાર થયેલો આ પ્લાન ઘોરાડની નાની અને અલગ પડી ગયેલી વસ્તીને લાંબા ગાળે ટકાવી રાખવા માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડશે. યોજનાનો મુખ્ય હેતુ 30થી વધુ ઘોરાડની વ્યવહારુ વસ્તી ઊભી કરવી અને 200થી 500 ચોરસ કિલોમીટરનો સતત તથા સુરક્ષિત કુદરતી આવાસ વિકસાવવાનો છે.
હાલમાં કચ્છના લાલા-રાવ વિસ્તારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અંદાજે 200 ચોરસ કિલોમીટરના આ લેન્ડસ્કેપમાં ઘાસભૂમિનું પુનઃસ્થાપન, ચરાણનું વ્યવસ્થાપન, ગાંડા બાવળ જેવી આક્રમક વનસ્પતિ દૂર કરવી, શિકારી પ્રાણીઓના જોખમને નિયંત્રિત કરવું અને માનવસર્જિત માળખાઓથી થતા જોખમો ઘટાડવા જેવા પગલાં લેવામાં આવશે.
નલિયા વિસ્તારમાં અત્યાર સુધીમાં આશરે 11 ચોરસ કિલોમીટર ઘાસભૂમિને ગાંડા બાવળના અતિક્રમણમાંથી મુક્ત કરી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સાથે જ લગભગ 15 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેતી 30 કિલોમીટર લાંબી પ્રેડેટર-પ્રૂફ ફેન્સિંગ ઉભી કરવામાં આવી છે.
ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે ઘોરાડનું સંરક્ષણ માત્ર એક પક્ષીને બચાવવાનો પ્રયાસ નથી, પરંતુ કચ્છના સમગ્ર ખુલ્લા કુદરતી પરિતંત્રને જાળવવાની કામગીરી છે. આ જ આવાસ ખડમોર, ચિંકારા, રણની બિલાડી, ગીધ અને વિવિધ શિકારી પક્ષીઓ જેવી અનેક પ્રજાતિઓ માટે પણ મહત્વપૂર્ણ છે.
બેઠક દરમિયાન પ્રોજેક્ટ ચિત્તાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રાલય મુજબ દેશમાં ચિત્તાની સંખ્યા વધીને 52 થઈ છે, જેમાં ભારતમાં જન્મેલા 49 બચ્ચાંનો સમાવેશ થાય છે. કૂનોમાં બચ્ચાંનો આશરે 68 ટકા જીવિત રહેવાનો દર પણ નોંધાયો છે. કૂનો અને ગાંધી સાગરના સંકલિત વ્યવસ્થાપનથી ચિત્તા માટેનું સંરક્ષિત આવાસ 3,428 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. ગુજરાતની બન્ની ઘાસભૂમિ સહિતના વિસ્તારોને ભવિષ્યમાં ચિત્તા માટે સંભવિત રિલીઝ સાઇટ તરીકે ઓળખવામાં આવ્યા છે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વન્યજીવ સંરક્ષણની સફળતા માત્ર પ્રાણીઓની સંખ્યા વધારવાથી નહીં, પરંતુ તેમના સમગ્ર કુદરતી આવાસ, ખોરાકની ઉપલબ્ધતા અને પર્યાવરણીય જોડાણને મજબૂત બનાવવાથી નક્કી થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar