
ભાવનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત ઉત્તમ એન. ભૂતા-રેડક્રોસ બ્લડ સેન્ટરે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. તા.14 સપ્ટેમ્બર 2021થી શરૂ થયેલી આ બ્લડ બેન્ક દ્વારા પાંચ વર્ષ દરમિયાન 1,048થી વધુ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં 35 હજારથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે. આ માધ્યમથી 38,548 જેટલા યુનિટ રક્ત દર્દીઓને રિપ્લેસમેન્ટ વિના ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
બ્લડ બેન્ક દ્વારા થેલેસેમિયા, હિમોફિલિયા, કેન્સર, કિડની ફેલ્યોર તેમજ જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને વિનામૂલ્યે રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અત્યાર સુધી કેન્સર સહિતના દર્દીઓને 5,551થી વધુ યુનિટ રક્ત વિનામૂલ્યે આપવામાં આવ્યું છે. થેલેસેમિયા કેર એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર ખાતે 120થી વધુ બાળકોને દર પંદર દિવસે તબીબી માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે રક્ત ચડાવવાની સેવા આપવામાં આવે છે.
પાંચ વર્ષની સફળતા નિમિત્તે તા.14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રક્તદાન જાગૃતિ ઉત્સવ-6ની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન રક્તદાન કેમ્પ, રેલી, વર્કશોપ, સેમિનાર, પ્રદર્શન અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાશે. રક્તદાન કરનાર દાતાઓને ભેટ તથા સન્માનપત્ર આપવામાં આવશે. પ્રથમ વખત રક્તદાન કરનાર દાતાઓને વિશેષ સન્માન ઉપરાંત વિવિધ ક્રમાંક મેળવનાર દાતાઓને ઇનામો આપવામાં આવશે.
રેડક્રોસ બ્લડ બેન્ક 3,000થી વધુ યુનિટ રક્ત સંગ્રહની ક્ષમતા ધરાવે છે અને આધુનિક સાધનોથી સજ્જ છે. રક્તદાન કેમ્પ યોજવા અથવા રક્તની જરૂરિયાત માટે 9429406202, 9825566642, 9537952929 તથા 0278-2430700 પર સંપર્ક કરી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA