



કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : 29,250 હેક્ટરના લક્ષ્યાંક સામે 27,652 હેક્ટર વિસ્તારમાં કામગીરી પૂર્ણ; કોરી ક્રીકના 12,450 હેક્ટર વિસ્તાર પર પણ વિશેષ ધ્યાન
ભુજ ખાતે મેન્ગ્રોવ સંરક્ષણ, પુનઃસ્થાપન અને લાંબા ગાળાના વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ વર્કશોપ યોજાઈ હતી. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગુજરાત સહિત ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાના મેન્ગ્રોવ વિસ્તારોના સંરક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વર્કશોપમાં ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે મેન્ગ્રોવને માત્ર વૃક્ષારોપણ તરીકે નહીં, પરંતુ દરિયાકાંઠાની સમગ્ર જીવંત ઇકોસિસ્ટમ તરીકે જોવાની જરૂર છે. મેન્ગ્રોવ દરિયાકાંઠાની જૈવવિવિધતા જાળવવા ઉપરાંત માછીમારી, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ, આબોહવા સ્થિતિસ્થાપકતા અને સ્થાનિક લોકોની આજીવિકા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
MISHTI એટલે કે Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes હેઠળ ગુજરાતમાં ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. 2023થી 2027 દરમિયાન 29,250 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવ પુનઃસ્થાપનનું લક્ષ્યાંક છે, જેમાંથી અત્યાર સુધીમાં 27,652 હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે. કચ્છના પર્યાવરણીય રીતે પડકારજનક કોરી ક્રીક વિસ્તારમાં 12,450 હેક્ટર વિસ્તારને પણ કામગીરીમાં સામેલ કરવામાં આવ્યો છે.
કચ્છની સ્થાનિક ભૌગોલિક અને પર્યાવરણીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળવિશેષ પુનઃસ્થાપન પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. સાથે જ જૈવવિવિધતા વધારવા, સીવીડની ખેતી અને સ્થાનિક સમુદાય માટે ટકાઉ આજીવિકાની તકો ઊભી કરવા પર પણ ભાર મૂકાયો છે.
આ પ્રસંગે ‘કચ્છ મેન્ગ્રોવ્સ’ અંગેની કોફી ટેબલ બુક અને ‘મેન્ગ્રોવ્સ એટલાસ ઓફ ગુજરાત’નું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેન્ગ્રોવ GIS (MGIS) પોર્ટલ લોન્ચ કરાયું હતું. આ પોર્ટલના માધ્યમથી મેન્ગ્રોવ વિસ્તારોની વૈજ્ઞાનિક રીતે દેખરેખ રાખવા અને સંરક્ષણ અંગે ડેટા આધારિત નિર્ણયો લેવામાં મદદ મળશે.
ગુણેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ વિલેજ બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીને પણ સન્માનિત કરવામાં આવી હતી. ગુણેરીના અનોખા ઇનલેન્ડ મેન્ગ્રોવ્સને જાન્યુઆરી 2025માં ગુજરાતની પ્રથમ Biodiversity Heritage Site તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar