
જામનગર, 15 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરના ઢીંચડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેમ ચાર આવારાતત્વોએ એક 18 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કરી, તેની પાસેથી રૂ. 6,000ની રોકડ લૂંટી લઈ, નગ્ન કરી વીડિયો ઉતાર્યાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ ચકચારી બનાવ અંગે પીડિત યુવકની ફરિયાદના આધારે પોલીસે તમામ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, ઢીંચડા વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યશપાલસિંહ જાડેજા નામના યુવકે દિવ્યરાજસિંહ સરવૈયા, ગૌતમ પરમાર, ધ્રુવરાજસિંહ જાડેજા અને મોહીત ઉર્ફે ઉકેડીયો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તા. 7 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે એરફોર્સ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પાસે આરોપી દિવ્યરાજસિંહે ફરિયાદીના મિત્ર મયુર સાથે ઝઘડો કરીને તેને માર મારવાની વાત કરી હતી. જેનો ફરિયાદીએ વિરોધ કરતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો ભાંડીને યુવક પર હુમલો કર્યો હતો.
ત્યારબાદ આરોપીઓએ દારૂના પૈસા માગીને યુવકના ખિસ્સામાંથી બળજબરીથી રૂ. 6,000 રોકડા કાઢી લીધા હતા.
એટલું જ નહીં, ગૌતમ અને દિવ્યરાજસિંહે બળજબરીથી યુવકના કપડાં ઉતરાવી દીધા હતા અને અન્ય બે આરોપીઓએ પોતાના મોબાઈલમાં યુવકનો નગ્ન વીડિયો શૂટ કર્યો હતો. હુમલાખોરોએ યુવકના એક્ટિવા તથા મોબાઈલમાં તોડફોડ કરી તેને ફોર્મેટ કરી નાખ્યો હતો. યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને છોડાવ્યો હતો. જતાં-જતાં આરોપીઓએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપસા તેજ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt