
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ધી બંધવડ ગ્રુપ સેવા સહકારી મંડળીના મંત્રી રાયમલભાઈ વાલાભાઈ રબારી સામે રૂ.4,43,10,000ની પાકધિરાણ ઉચાપતનો ગુનો નોંધાયો છે. ખેડૂત સભાસદોના નામે બોગસ દસ્તાવેજો બનાવી ધિરાણ મેળવી ઉચાપત કર્યાની ફરિયાદ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની રાધનપુર શાખાના સીનિયર ઇન્સ્પેક્ટરે રાધનપુર પોલીસ મથકે નોંધાવી છે.
મંડળીના મંત્રીએ 299 સભાસદો માટે કુલ રૂ.6.48 કરોડથી વધુના પાકધિરાણની માંગણી કરી હતી. ધિરાણ મંજૂર થયા બાદ કેટલાક ખેડૂતોએ પોતાની જાણ બહાર ધિરાણ લેવાયું હોવાની બેંકમાં રજૂઆત કરી હતી. બેંક દ્વારા ઉઘરાણી કરવા છતાં નાણાં ભરપાઈ ન થતાં પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
બેંકની તપાસમાં 147 જેટલા સભાસદોના નામે ખોટા માંગણા પત્રકો તૈયાર કરી બોગસ સહીઓથી સેડો એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જમીનની બોજા નોંધ વિના તેમજ અધૂરા દસ્તાવેજોના આધારે વર્ષ 2017થી 2023 દરમિયાન રૂ.4.43 કરોડથી વધુની રકમ મેળવી અંગત ઉપયોગમાં વાપરી લીધી હોવાનો આક્ષેપ છે.
આ મામલે ખોટા દસ્તાવેજોને સાચા તરીકે દર્શાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાના આક્ષેપો હેઠળ રાધનપુર પોલીસે આરોપી રાયમલભાઈ રબારી સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ