


કચ્છ, 15 સપ્ટેમ્બર (હિ.સ.) કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઉકળાટ અને બફારાભર્યા વાતાવરણ વચ્ચે આજે ફરી વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને માંડવી તાલુકામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં માત્ર બે કલાકના સમયગાળામાં 127 મિમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં આજે સવારના સમયગાળા દરમિયાન નોંધાયેલા વરસાદનો કુલ આંકડો 299 મિમી સુધી પહોંચ્યો છે.
કચ્છ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા 15 સપ્ટેમ્બર 2026ના વરસાદના આંકડા મુજબ, સવારના 6થી 10 વાગ્યા દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. માંડવીમાં સવારના 6થી 8 વાગ્યા દરમિયાન 31 મિમી વરસાદ બાદ આગામી બે કલાકમાં વરસાદની ગતિ અચાનક વધી હતી અને 8થી 10 વાગ્યા વચ્ચે જ 127 મિમી વરસાદ ખાબક્યો હતો. પરિણામે માંડવીનો આજે અત્યાર સુધીનો વરસાદ 158 મિમી નોંધાયો છે.
માંડવી બાદ મુંદ્રા અને ભુજમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. મુંદ્રામાં 31 મિમી અને ભુજમાં 30 મિમી વરસાદ નોંધાયો છે. અબડાસામાં 18 મિમી, લખપતમાં 17 મિમી, ગાંધીધામમાં 16 મિમી, નખત્રાણામાં 15 મિમી તથા અંજારમાં 14 મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાપર અને ભચાઉ તાલુકામાં સવારના આ સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો નથી.
વરસાદના નવા આંકડા સાથે કચ્છ જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ વરસાદનો આંકડો 2,729 મિમી થયો છે. આજે પડેલા વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમી તથા બફારામાંથી રાહત મળી છે. ખાસ કરીને માંડવી વિસ્તારમાં ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદને કારણે વરસાદની તીવ્રતા સ્પષ્ટ જોવા મળી છે. આગામી કલાકોમાં જિલ્લામાં વરસાદની સ્થિતિ કેવી રહે છે તેના પર લોકો અને તંત્રની નજર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar