
- ક્લાઈમેટ ચેન્જ સામે કવચ: ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણમાં ગુજરાતની વૈશ્વિક છલાંગ
- ઓઝોન સ્તરનું રક્ષણ, લીલાછમ ગુજરાતનું ઘડતર: વિશ્વ ઓઝોન દિવસે રાજ્ય સરકારનો હરિયાળો સંકલ્પ
અમદાવાદ,15 સપ્ટેમ્બર (હિ.સ.) દર વર્ષે 16 સપ્ટેમ્બરે ઉજવાતો ‘વિશ્વ ઓઝોન દિવસ’ સમગ્ર માનવજાતને પૃથ્વીના કુદરતી રક્ષણકવચ એવા ઓઝોન સ્તરના જતન અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવે છે. આ વૈશ્વિક અભિયાનમાં ગુજરાત સરકારે માત્ર સહભાગી બનીને જ સંતોષ નથી માન્યો, પરંતુ પોતાના ક્રાંતિકારી નિર્ણયો અને હરિયાળા પ્રકલ્પો દ્વારા સમગ્ર દેશમાં પર્યાવરણ સંરક્ષણનું એક ઉત્કૃષ્ટ મોડેલ પૂરું પાડ્યું છે. ક્લાઈમેટ ચેન્જ માટે અલગથી સ્વતંત્ર વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય રહ્યું છે, જે દર્શાવે છે કે, પર્યાવરણીય સુરક્ષા અને વાતાવરણના સંતુલન માટે રાજ્ય સરકાર કેટલી ગંભીર અને પ્રતિબદ્ધ છે.
પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કરવામાં અને હાનિકારક વાયુઓનું પ્રમાણ ઘટાડવામાં ગુજરાતનું ગ્રીન એનર્જી મોડેલ નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે.
ખાવડા ખાતે આકાર લઈ રહેલો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, અબડાસા અને ચરણકાના સોલાર પાર્ક્સ તથા ઘર-ઘર સુધી પહોંચેલી ‘સૂર્ય ગુજરાત’ રોફટોપ યોજનાએ પરંપરાગત ઉર્જા પરની નિર્ભરતા ઘટાડીને કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો નોંધાવ્યો છે.
ઇન્ડસ્ટ્રીયલ ગ્રીન કવર વધારવા, ક્લીનર ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ઇલેક્ટ્રિક વ્હીકલ નીતિ દ્વારા પ્રદૂષણમુક્ત વાહનવ્યવહારને પ્રોત્સાહન આપીને ગુજરાતે ઓઝોન સ્તરના રક્ષણ માટે એક અસરકારક પહેલ કરી છે.
જેમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને Guinness World Record સ્થાપવામાં આવ્યો હતો. આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ વોલેન્ટિયર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા,
જેના પરિણામે વિશ્વવિક્રમ સર્જાયો હતો. આ ઉપરાંત, અર્બન ફોરેસ્ટ્રી, ‘એક પેડ મા કે નામ’ જેવા વૃક્ષારોપણના મહાઅભિયાનો અને ઉદ્યોગોમાં એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સના કડક અમલીકરણ દ્વારા સરકારે ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણની જાળવણી વચ્ચે અદભુત સમતુલન જાળવ્યું છે.
શાળા અને કોલેજના યુવાનોમાં જાગૃતિ લાવવા ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા સતત યોજાતી સેમિનાર, ક્વિઝ અને વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ રાજ્યના નાગરિકોને પર્યાવરણ-પ્રેમી બનાવી રહી છે. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના આ વિશ્વ ઓઝોન દિવસે, ગુજરાત સરકારના આ ભગીરથ પ્રયાસો અને લીલાછમ ટકાઉ ભવિષ્ય તરફની તેમની અવિરત યાત્રા ખરેખર પ્રશંસા અને ગૌરવને પાત્ર છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ