
- શિક્ષણના ભવિષ્ય, પેડાગોજી (શિક્ષણશાસ્ત્ર), સંશોધન, ઇનોવેશન (નવતર પ્રયોગો) અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે
- ઉચ્ચ શિક્ષણના બદલાતા પરિદ્રશ્ય પર વિચારો અને અનુભવોની આપ-લે કરવા માટે 20 દેશોના ફેકલ્ટી સભ્યો અને શિક્ષણવિદો
ગાંધીનગર,15 સપ્ટેમ્બર (હિ.સ.) આઈઆઈટી ગાંધીનગર વિદેશ મંત્રાલયના ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (આઈટેક ) કાર્યક્રમ હેઠળ આસિયાન (ASEAN) અને ગ્લોબલ સાઉથ માટે બે સપ્તાહના ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યું છે, જેમાં 14 થી 25 સપ્ટેમ્બર દરમિયાન 20 દેશોના ફેકલ્ટી સભ્યો ભાગ લઈ રહ્યા છે.
ઇજિપ્ત, કેન્યા, લાઓસ, મલાવી, માલદીવ્સ, મોરિશિયસ, મોઝામ્બિક, નામિબિયા, નેપાળ, ફિલિપાઇન્સ, શ્રીલંકા, તાંઝાનિયા, તિમોર-લેસ્તે, ત્રિનિદાદ અને ટોબેગો, વિયેતનામ અને ઝિમ્બાબ્વેના છે. આ કાર્યક્રમ અધ્યાપન અને પેડાગોજી, સંશોધન, ઇનોવેશન, આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંસ્થાકીય પદ્ધતિઓ પરના સત્રો માટે વિવિધ ઉચ્ચ શિક્ષણ પ્રણાલીઓના ફેકલ્ટી સભ્યોને એકસાથે લાવે છે.
આઈટેક (ITEC) ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઉચ્ચ શિક્ષણમાં સમકાલીન અભિગમોને આવરી લે છે, જેમાં સક્રિય શિક્ષણ (એક્ટિવ લર્નિંગ), વિધ્યાર્થી-કેન્દ્રિત અધ્યાપન, અભ્યાસક્રમમાં ઇનોવેશન, આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગ, સંશોધન, ઇનોવેશન અને ઇન્ક્યુબેશન, સંસ્થાકીય વિકાસ અને વિદ્યાર્થીઓનું કલ્યાણ (સ્ટુડન્ટ વેલ-બીઇંગ) શામેલ છે.
ઉદ્ઘાટન સત્રમાં બોલતા, આઈઆઈટી ગાંધીનગરના નિયામક પ્રો. રજત મુનાએ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક જોડાણના મહત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ શૈક્ષણિક શિક્ષણ, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને દેશો વચ્ચે સંબંધો બાંધવા માટે એક મંચ પૂરો પાડે છે.
આઈઆઈટી ગાંધીનગરમાં ભાગ લેનારાઓને તેમના સમયનો મહત્તમ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરતા તેમણે કહ્યું, “આ કાર્યક્રમમાં શીખવા માટે ઘણી બધી નવી બાબતો છે. મને આશા છે કે આ આપણને રસપ્રદ ભાગીદારી વિકસાવવામાં અને એવા સંબંધો બાંધવામાં મદદ કરશે જે સંસ્થાઓ તરીકે આપણને વધવામાં મદદ કરે.”
પ્રો.મુનાએ આઈઆઈટી ગાંધીનગરના આંતરરાષ્ટ્રીયકરણ તરફના પ્રયાસો વિશે પણ વાત કરી હતી અને સહભાગીઓને રોકાણ દરમિયાન ગુજરાત અને ભારતની શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિવિધતાનો અનુભવ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
ઉદ્ઘાટન સત્ર દરમિયાન, આઈઆઈટી ગાંધીનગરના ડીન ઓફ એક્સટર્નલ રિલેશન્સ પ્રો.અમિત પ્રશાંતે ઉચ્ચ શિક્ષણ પરના તેમના અનુભવો અને દ્રષ્ટિકોણની આપ-લે કરવા માટે વિવિધ દેશોના ફેકલ્ટી સભ્યોને એકસાથે લાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આવા પરસ્પર સંવાદો ભાગ લેનારાઓને વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓને સમજવામાં અને ભવિષ્યના સહયોગ માટેની તકો શોધવામાં મદદ કરી શકે છે.
તેમણે ટેકનોલોજી-સંચાલિત વિશ્વમાં ફેકલ્ટીની બદલાતી ભૂમિકા અને બદલાતા વ્યાવસાયિક વાતાવરણ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે શૈક્ષણિક કાર્યક્રમો પર પુનઃવિચાર કરવાની જરૂરિયાત વિશે વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ માત્ર ટેકનિકલ કૌશલ્યો પર જ નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં ક્ષમતાઓ અને આત્મવિશ્વાસના નિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરતું હોવું જોઈએ. તેમના વક્તવ્યો કાર્યક્રમના ‘રોલ ઓફ ફેકલ્ટી ઇન ફ્યુચર ઓફ એજ્યુકેશન’ (શિક્ષણના ભવિષ્યમાં ફેકલ્ટીની ભૂમિકા સત્રને અનુરૂપ હતા, જે ટેકનોલોજી અને શીખનારાઓ તેમજ ઉદ્યોગની બદલાતી જરૂરિયાતોના જવાબમાં ફેકલ્ટીની ભૂમિકાઓ અને શૈક્ષણિક અભિગમો કેવી રીતે વિકસાવવાની જરૂર છે તે જુએ છે.
તાંઝાનિયાની સેન્ટ ઓગસ્ટિન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એજ્યુકેશનના સિનિયર લેક્ચરર ડૉ.ફ્રેન્ક મવામાકુલાએ જણાવ્યું હતું કે, “મારા માટે, તે નવી આંતરદ્રષ્ટિ લાવ્યું છે જેને હું પાછી લઈ જઈ શકું છું અને મારી હોમ ઇન્સ્ટિટ્યુશનમાં અનુકૂલિત કરી શકું છું, સાથે સાથે અધ્યાપન અને શિક્ષણમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટેના માર્ગો પણ ખોલી શકું છું.”
વિયેતનામ નેશનલ યુનિવર્સિટી, હો ચી મિન્હ સિટીની યુનિવર્સિટી ઓફ સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટિઝના ફાન થાન હુયેને જણાવ્યું હતું કે, “આપણે એકબીજા પાસેથી શીખી શકીએ છીએ અને અન્ય લોકોએ જે મુશ્કેલીઓ અથવા સમસ્યાઓનો સામનો કરી લીધો છે તેનાથી બચી શકીએ છીએ. આપણે આપણી સફળતાઓ વિશે વાત કરી શકીએ છીએ અને અન્ય લોકોના અનુભવોમાંથી શીખી શકીએ છીએ. જ્યારે આપણે અન્ય દેશો સાથે સહયોગ કરીએ છીએ, ત્યારે આપણે તેમના અનુભવોમાંથી શીખી શકીએ છીએ અને આપણે સામનો કરેલા વિચારો અને સમસ્યાઓને શેર કરી શકીએ છીએ.”
મિરિયમ કોલેજ, ફિલિપાઇન્સના જોએલ માર્ક બાયસા બાર્રેડોએ કહ્યું, “આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તમને એક ક્ષણ રોકાઈને અન્યોના અનુભવો અને એકેડેમિયા (શિક્ષણ જગત) માં તેમની સફરને સમજવાની તક આપે છે. તે જ સમયે, તમે શૈક્ષણિક અથવા વ્યક્તિગત પ્રવૃત્તિઓ પર સહયોગ કરો છો જે તમને વિકાસ કરવામાં અને તે ઉત્સાહ પાછો લાવવામાં મદદ કરી શકે છે. ગ્લોબલ સાઉથમાં અન્ય મનુષ્યો પણ આ જ કામ કરી રહ્યા છે તે જાણવું તમને યાદ અપાવે છે કે શિક્ષણમાં અને લોકોના મનને આકાર આપવામાં મૂલ્ય છે.”
કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક સત્રો ફેકલ્ટી સભ્યો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે સંબંધિત વિષયોની શ્રેણીને આવરી લે છે. આમાં ‘રોલ ઓફ ફેકલ્ટી ઇન ફ્યુચર ઓફ એજ્યુકેશન’, ‘એક્ટિવ લર્નિંગ ઇન સ્ટીમ (STEM) એજ્યુકેશન’, ‘લર્નર-સેન્ટ્રિક એપ્રોચિસ ફોર ઓનલાઇન એન્ડ ઓનસાઇટ ક્લાસરૂમ્સ’ અને ‘ઇનોવેશન્સ ઇન પેડાગોજી એન્ડ કરિક્યુલમ’ જેવા કેટલાક વિષયો શામેલ છે.
સંશોધન અને ઇનોવેશન પણ કાર્યક્રમનો એક ભાગ છે. ભાગ લેનારાઓને સંસ્થાની સંશોધન ઇકોસિસ્ટમ, સપોર્ટ સિસ્ટમ્સ અને સિદ્ધિઓથી પરિચિત કરવામાં આવશે, ત્યારબાદ રિસર્ચ ક્લસ્ટર્સ અને કેન્દ્રો સાથે સંવાદો અને સંશોધન સુવિધાઓની મુલાકાત લેવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ (સાહસિકતા) પરના સત્રો પણ શામેલ છે, જેમાં આઈઆઈટી ગાંધીનગર રિસર્ચ પાર્કની ઇનોવેશન અને ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ, રિસર્ચ પાર્કમાં ઇન્ક્યુબેટ થયેલા સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદો અને ‘ફેકલ્ટી એન્ડ સ્ટાર્ટઅપ્સ: બિલ્ડિંગ એન ઇનોવેશન-ડ્રિવન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ’ પર પેનલ ચર્ચા શામેલ છે.
અન્ય સત્રો સંસ્થાકીય વહીવટ અને સુશાસન, અલુમ્નાઈ (પૂર્વ વિદ્યાર્થી) જોડાણ, ફેકલ્ટી વિકાસ અને સપોર્ટ સિસ્ટમ્સ, સ્ટુડન્ટ રિસર્ચ મેન્ટરશિપ અને સ્ટુડન્ટ વેલ-બીઇંગને આવરી લેશે.
આ કાર્યક્રમમાં અભ્યાસ પ્રવાસ અને ગુજરાતમાં આવેલા સ્થળોની મુલાકાતો પણ શામેલ છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી આશ્રમ, રાણી કી વાવ, મોઢેરા સૂર્ય મંદિર અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી - GIFT City) નો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ 25 સપ્ટેમ્બરે સહભાગીઓના ફીડબેક (પ્રતિસાદ) અને સમાપન સમારોહ (વેલિડિક્ટરી ફંક્શન) સાથે પૂર્ણ થશે.
ઉદ્ઘાટન સત્રનું સંચાલન સહ-સંયોજક (કો-કોઓર્ડિનેટર) પ્રો. આશુતોષ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કાર્યક્રમની રૂપરેખા પૂરી પાડી હતી. ડીન ઓફ એક્સટર્નલ રિલેશન્સ પ્રો. અમિત પ્રશાંતે સ્વાગત પ્રવચન આપ્યું હતું, ત્યારબાદ આઈઆઈટી ગાંધીનગરના નિયામક પ્રો. રજત મુનાનું સંબોધન થયું હતું
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ