

વડનગર/અમદાવાદ,17 સપ્ટેમ્બર (હિ.સ.) વિશ્વના લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તથા તેમની જાહેર સેવાના સફળ અને સમર્પિત 25 વર્ષના ઐતિહાસિક ઉપલક્ષમાં રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સેવા સેતુ’ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ પવિત્ર અવસરે વડાપ્રધાનના જન્મસ્થળ વડનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર બસ પોર્ટ ખાતે સ્વયં ‘શ્રમદાન’ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમદાન અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઈને સ્વચ્છતા તેમજ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ શ્રમદાન કરી વડાપ્રધાનના 'દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય' માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ