સુરત મનપા ખાતે ગ્રાઉન્ડ વોટર રીચાર્જ બોરવેલના 151 કામોનું ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરને ભૂગર્ભ જળ સંચય ક્ષેત્રે અગ્રેસર બનાવવાના ભગીરથ સંકલ્પ સાથે સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-એ (ઉધના) વિસ્તારના બમરોલી ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.
C.R. Patil performs the groundbreaking ceremony


સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરને ભૂગર્ભ જળ સંચય ક્ષેત્રે અગ્રેસર બનાવવાના ભગીરથ સંકલ્પ સાથે સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-એ (ઉધના) વિસ્તારના બમરોલી ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે વિવિધ 151 સ્થળોએ અંદાજિત રૂ.2.04 કરોડના ખર્ચે સાકારિત થનાર ગ્રાઉન્ડ વોટર રીચાર્જ બોરવેલના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે મેયર માયાબેન માવાણી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે સદાય મોખરે રહ્યું છે. તેમાં પણ સુરત શહેર દરેક સેવાકાર્યમાં નવા રેકોર્ડ સર્જવા માટે જાણીતા છે. જનસેવાની આ પરંપરા સુરતની ઓળખ બની ચૂકી છે.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, વરસાદનું પાણી જ્યાં પડે ત્યાં જ એને ઝીલીને જમીનમાં ઉતારવું એ સમયની માગ છે. આ રાષ્ટ્રીય અભિયાનની શાનદાર શરૂઆત 6 સપ્ટેમ્બર 2024ના રોજ સુરતથી કરવામાં આવી હતી. આજે જનભાગીદારીના બળે સમગ્ર દેશમાં 1 કરોડ ૫૫ લાખથી વધુ જળ સંચય સ્ટ્રક્ચર્સનું નિર્માણ થઈ ચૂક્યું છે, જેના થકી વાર્ષિક 12 બીસીએમ (બિલિયન ક્યુબિક મીટર)થી વધુ પાણી જમીનમાં ઉતારવામાં સફળતા મળી છે. ભૂગર્ભ જળનો ઉપયોગ કરીને આપણે જે ‘ધરતી માતા’નું ઋણ લીધું છે, તેને પરત ચૂકવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. રેન વોટર હાર્વેસ્ટિંગથી માત્ર બોરવેલ કે જમીનના પાણીના સ્તર ઊંચા નથી આવતા, પરંતુ પાણીની ક્વોલિટીમાં પણ મોટો સુધારો કરે છે.

જળશક્તિ મંત્રી કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનગમતા વિષય 'કેચ ધ રેન' અને 'રેન વોટર હાર્વેસ્ટિંગ' અભિયાનને આગળ ધપાવતા સુરતમાં 6,000થી વધુ સ્ટ્રક્ચર બનાવ્યા છે. ઉધના ઝોનમાં 151 બોરવેલથી જળસંચયની કામગીરીને વેગ મળશે. ચોમાસામાં વહી જતા પાણીને જમીનમાં ઉતારવાથી ધરતીમાતાનું ઋણ ચૂકવાશે, ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને તેની ગુણવત્તા સુધરશે. આ સાથે જ ચોમાસા દરમિયાન શહેરમાં થતા વોટર લોગિંગ અને ભરાતા પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે, જેનાથી ડામરના રોડનું આયુષ્ય વધશે અને સ્થાનિક નાગરિકોની હાલાકી દૂર થશે એમ તેમણે કહ્યું હતું.

વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના સેવા કાર્યકાળના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મી સપ્ટેમ્બરથી 17મી ઓક્ટોબર સુધી 30 દિવસીય સેવાકીય અને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે તેમણે સુરતને સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમાંકે પહોંચાડનાર સફાઈકર્મીઓનું સન્માન કરી તેમના યોગદાનને વંદન કરી તેમની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.

આ ખાતમુહૂર્ત પ્રસંગે ડે. મેયર સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, દંડક ઉર્મિલા ત્રિપાઠી, શાસક પક્ષ નેતા અલ્પાબેન મહેતા, ધારાસભ્ય મનુભાઈ પટેલ, શહેર સંગઠન અધ્યક્ષ પરેશભાઈ પટેલ, કોર્પોરેટરો, મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande