
ભાવનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અંતર્ગત મહુવા ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વયોવૃદ્ધો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 623 વયોવૃદ્ધ લાભાર્થીઓને કુલ રૂ.59,38,650ના ખર્ચે 3,412 સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે સાધન સહાયનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સહાયક સાધનો માત્ર ઉપયોગી વસ્તુ નથી, પરંતુ વડીલોના દૈનિક જીવનમાં સુગમતા, આત્મવિશ્વાસ અને ખુશી લાવવાનું માધ્યમ છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચે તે માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
કેમ્પમાં 79 વ્હીલચેર, 504 ચાલવાની લાકડીઓ, 612 શ્રવણયંત્રો, 94 કૃત્રિમ દાંત, 429 કમરના પટ્ટા, 1,090 ઘૂંટણના સપોર્ટ, 40 ખભાના સપોર્ટ, 90 વોકર, 280 સીટ કુશન અને 194 કોમોડ સ્ટૂલ સહિત કુલ 3,412 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લામાં યોજાયેલા તાલુકાવાર તપાસ અને મૂલ્યાંકન કેમ્પના આધારે કુલ 8,091 વરિષ્ઠ નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. તેમને કુલ 45,968 સહાયક સાધનો રૂ.7,65,69,036ના મૂલ્યે નિઃશુલ્ક આપવામાં આવનાર છે.
ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલા ‘દિવ્યાશા કેન્દ્ર’થી જરૂરિયાતમંદોને સાધન સહાય માટે એસેસમેન્ટ સહિતની પ્રક્રિયા સરળ બની છે.
મહુવા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, ધારાસભ્ય શિવા ગોહિલ સહિતના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA