
ભાવનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર ગ્રામ્ય જિલ્લામાં પોષણ માસ-2026 અંતર્ગત પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં યોજાતા મમતા સેશન દરમિયાન સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને આરોગ્ય, સ્વચ્છતા તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા HCM નાસ્તાની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી હતી. બાળકો અને લાભાર્થીઓને આપવામાં આવતા પોષણયુક્ત આહારની ગુણવત્તા જળવાઈ રહે તે માટે નાસ્તાના વિતરણ અને તેની ગુણવત્તા અંગે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કિશોરીઓના પોષણસ્તરમાં સુધારો લાવવાના હેતુથી તેમને પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થોના મહત્વ અને તેના ફાયદા અંગે સમજ આપવામાં આવી હતી. સંતુલિત અને પોષણયુક્ત આહાર કિશોરીઓના શારીરિક વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવી દૈનિક આહારમાં વિવિધ પોષક તત્ત્વોનો સમાવેશ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ કિશોરીઓનું BMI માપન કરવામાં આવ્યું હતું. તેના આધારે તેમના પોષણસ્તરની સ્થિતિ અંગે જાણકારી મેળવી જરૂરિયાત મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત AMCના સભ્યો સાથે આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ પીવાના પાણીની સ્વચ્છતા, HCM નાસ્તાની ગુણવત્તા અને કેન્દ્ર ખાતે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી.
પોષણ માસ દરમિયાન યોજાતી આવી પ્રવૃત્તિઓથી માતાઓ અને કિશોરીઓમાં સંતુલિત આહાર, આરોગ્યપ્રદ જીવનશૈલી અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવા સાથે પોષણ સેવાઓને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA