દયાપરથી ભુજ સુધી 110 કિમીની સફરમાં NICU એમ્બ્યુલન્સે બચાવ્યો કિંમતી સમય; પરિવારને મળ્યો હાશકારો
કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : > સંકટની ઘડીએ લેવાયેલું એક સમયસરનું પગલું કોઈના માટે આશીર્વાદ બની શકે છે—આ વાતને સાર્થક કરતી ઘટના લખપત તાલુકાના છેવાડાના ગામ પીપરથી સામે આવી છે. પીપર ગામના વતની દિનેશભાઈ મહેશ્વરીના પરિવારમાં ચાર દિવસ અગાઉ પુત્રજન્મ
નવજાત શિશુ


કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : > સંકટની ઘડીએ લેવાયેલું એક સમયસરનું પગલું કોઈના માટે આશીર્વાદ બની શકે છે—આ વાતને સાર્થક કરતી ઘટના લખપત તાલુકાના છેવાડાના ગામ પીપરથી સામે આવી છે.

પીપર ગામના વતની દિનેશભાઈ મહેશ્વરીના પરિવારમાં ચાર દિવસ અગાઉ પુત્રજન્મ થતાં ખુશીનો માહોલ છવાયો હતો. પરંતુ ચાર દિવસના નવજાત બાળકની તબિયત નાદુરસ્ત જણાતા પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદ લીધી અને બાળકને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પહોંચાડ્યું.

દયાપર CHC ખાતે ઓન-ડ્યુટી તબીબો ડૉ. શક્તિ સર અને ડૉ. નિખિલ સરે બાળકની તપાસ કરતાં તેને કમળાની ગંભીર સ્થિતિ હોવાનું જણાયું હતું. વધુ સારવાર માટે ભુજ ખાતે બાળરોગ નિષ્ણાતની સારવાર જરૂરી હોવાથી બાળકને તાત્કાલિક હાયર સેન્ટર લઈ જવાની સલાહ આપવામાં આવી.

નવજાત બાળક માત્ર ચાર દિવસનું હોવાથી વિશેષ NICU એમ્બ્યુલન્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 108માં કોલ કરવામાં આવ્યો. કોલ મળતા જ દયાપર 108 NICU ટીમના EMT અશ્વિન મકવાણા, EMT શ્યામ ઠક્કર અને પાયલોટ રમેશ ગરવાએ સમય ગુમાવ્યા વિના બાળકને ભુજ તરફ રવાના કર્યું.

દયાપરથી ભુજ સુધીના આશરે 110 કિમીના અંતર દરમિયાન અમદાવાદ સ્થિત ERCP ડૉ. પટેલના માર્ગદર્શન હેઠળ નવજાતને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી. બાળકને ઇન્ક્યુબેટરમાં રાખી ઓક્સિજનની વ્યવસ્થા તેમજ શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે સતત જરૂરી સંભાળ લેવામાં આવી.

સમયસરની સારવાર અને 108 NICU ટીમની કાળજીપૂર્વકની કામગીરીના પગલે બાળકને સુરક્ષિત રીતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું. ત્યાં બાળકની સ્થિતિ સારી જણાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમગ્ર કામગીરી બદલ પરિવારજનોએ 108 NICU ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ ભુજ સ્થિત PM (પ્રોગ્રામ મેનેજર) ભવરલાલ પ્રજાપતિ અને EME રાહુલ ગોરને થતાં તેમણે પણ દયાપર 108 NICU ટીમની સમયસર અને સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી.

અંતરિયાળ વિસ્તારના નવજાત બાળક માટે 108ની વિશેષ NICU એમ્બ્યુલન્સ સેવા સંકટની ઘડીએ આશાનું કિરણ બની હોવાનું આ ઘટનાએ દર્શાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande