
બોટાદ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની બગડ પ્રાથમિક શાળાના આચાર્ય હીરલબા દાનસિંહ સોલંકીને શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, નવીન પ્રવૃત્તિઓ અને શાળાના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
હીરલબા સોલંકીના નેતૃત્વ હેઠળ શાળામાં પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ, જીવદયા, સંસ્કાર અને બાળકકેન્દ્રિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓમાં વૃક્ષપ્રેમ કેળવવા દર વર્ષે તેમને રોપા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના રોપાની નિયમિત સંભાળ રાખે છે અને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ ઉછેર કરનાર વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્રવૃત્તિથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે છે.
શાળાની અનોખી નવરાત્રી ઉજવણી પણ વિશેષ બની છે. તહેવારને શિક્ષણ અને સંસ્કાર સાથે જોડીને ભારતીય સંસ્કૃતિ, લોકપરંપરા, સર્જનાત્મકતા અને સામૂહિક ભાવનાનો વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.
આચાર્ય હીરલબા સોલંકીએ પોતાની સ્વર્ગસ્થ માતાની સ્મૃતિમાં ‘ચકલીધર’ની પહેલ પણ કરી છે. ચકલીઓ માટે માળો બનાવવાની વ્યવસ્થા ઉભી કરી વિદ્યાર્થીઓમાં પક્ષીપ્રેમ અને જીવદયાની ભાવના કેળવવામાં આવે છે. ચકલીધરમાં ચકલીનો માળો બનાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓના જન્મદિવસને પણ સેવાભાવ સાથે જોડવામાં આવ્યો છે. જન્મદિવસે નાના ભાઈ-બહેનોને ઉપયોગી વસ્તુઓ આપવાની પહેલથી બાળકોમાં ‘મળ્યું છે તેમાંથી બીજાને આપવાની’ ભાવના વિકસાવવામાં આવે છે.
શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ અંતર્ગત મળેલી રૂ.15 હજારની રકમ હીરલબા સોલંકીએ પોતાના ઉપયોગને બદલે શાળાની પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ માટે અર્પણ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA