
ભાવનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા મહુવા શહેર વિસ્તારમાં બનેલા અપહરણની કોશિશના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
LCB પોલીસ સ્ટાફ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણની કોશિશના ગુનામાં સંડોવાયેલા કેટલાક ઇસમો વડલીથી ભાદ્દોડ જવાના રસ્તા પર ઉભા છે. બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસની ટીમને બાતમીવાળી જગ્યાએ ત્રણ ઇસમો હાજર મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયને અટકાવી તેમની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન ત્રણેયે મહુવા વિસ્તારમાં બનેલા અપહરણની કોશિશના ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ત્યારબાદ ત્રણેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટના મુંજકા ચોકડી પાસે શ્યામાપ્રસાદ ખાતે રહેતો 28 વર્ષીય હર્ષ અશ્વિનભાઈ ટાંક, મહુવાના નેસવડ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય કુલદીપ કિશોરભાઈ વાજા અને મહુવાના જે.કે.નગર વિસ્તારમાં રહેતો 26 વર્ષીય સાગર ચંદુભાઈ શિયાળનો સમાવેશ થાય છે.
આ ગુનામાં મીત મહેશભાઈ મચ્છર, રહે. રાજકોટ તથા ધર્મેશ ભરતભાઈ રાઠોડ, રહે. રાજકોટ નામના બે આરોપીઓ હજુ પકડવાના બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA