

- જેલમાં કાર્યરત વિવિધ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની મુલાકાત લઈ, કેદીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી
અમદાવાદ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સાધના અને સુશાસનનાં ૨૫ વર્ષના યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લઈને કેદીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીએ કેદીઓ સાથે હળવાશથી વાતચીત કરી વાતાવરણને હળવું બનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જેલમાં બનાવવામાં આવતી વસ્તુઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચે છે અને અહીંના ભજિયા પણ પ્રખ્યાત છે.
મુખ્યમંત્રીએ કેદીઓ પાસેથી ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ભજનનું શ્રવણ કર્યું હતું, તેમજ ભજનમાં દર્શાવેલા મૂલ્યોનું અનુસરણ કરી સાચા અર્થમાં વૈષ્ણવજન બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક નાની એવી ભૂલના કારણે મોટું નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, તેનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે. આ માટે તેમણે સૌને સંયમના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન સમગ્ર દેશને પોતાનો પરિવાર માને છે, ત્યારે કેદીઓને પણ જરૂરી સુવિધાઓ મળી રહે તેનું ધ્યાન રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કેદીઓને પણ ‘સેવા સંકલ્પ અભિયાન’માં પોતાનું યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રીએ કેદીઓને ફળોનું વિતરણ કર્યું હતું. તેમણે કેદીઓના કૌશલ્ય વિકાસ માટે કાર્યરત કોમ્પ્યુટર સેન્ટર, સુથારીકામ, વણાટકામ અને બુક બાઇન્ડિંગ સેન્ટરની મુલાકાત લઈ વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી.
ભૂપેન્દ્ર પટેલે સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરી હતી.
આઝાદીની લડત દરમિયાન સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી, અબ્બાસ તૈયબજી, રવિશંકર મહારાજ અને રસિકલાલ પરીખ જેવા મહાનુભાવોએ સાબરમતી મધ્યસ્થ જેલના જે ઓરડાઓમાં નિવાસ કર્યો હતો, તેની મુલાકાત પણ લીધી હતી.
મુખ્યમંત્રીની આ મુલાકાત સમયે રાજ્યની તમામ જેલોના વડા ડીજીપી કે.એલ.એન. રાવ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, સાબરમતી જેલના સુપરિન્ટેન્ડેન્ટ ગૌરવ અગ્રવાલ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ