નાગરિકોની પર્યાવરણલક્ષી પ્રવૃતિઓને વેગ આપવા માટે ગુજરાતે ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ લોન્ચ કરી
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘AI ગ્રીન સિટિઝન સ્કોર એપ’ લોન્ચ કરી છે. આ નાગરિક કેન્દ્રિત ડિજિટલ પહેલનો હેતુ લોકોને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તેમજ ટકાઉ જીવનશૈલી
‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ


‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ


ગાંધીનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘AI ગ્રીન સિટિઝન સ્કોર એપ’ લોન્ચ કરી છે. આ નાગરિક કેન્દ્રિત ડિજિટલ પહેલનો હેતુ લોકોને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તેમજ ટકાઉ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી ગ્રીન પહેલોને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.

AI ગ્રીન સિટિઝન સ્કોર મોબાઇલ આધારિત પર્યાવરણીય યોગદાન અને ગ્રીન એક્શન ટ્રેકિંગ સિસ્ટમ છે.

આ મોબાઇલ એપનું નિર્માણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ ડિજિટલ અને AI ક્ષમતાઓનો ઉપયોગ કરીને પર્યાવરણ અને આબોહવા સંબંધિત કામગીરીમાં નાગરિકોની ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે.

વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, “આ પ્લેટફોર્મ મારફતે નાગરિકો વૃક્ષારોપણ, કચરાનું વિભાજન અને રિસાયક્લિંગ, પ્લાસ્ટિક એકત્રિત કરવું, જળ સંરક્ષણ, પગપાળા ચાલવું, સાયકલ ચલાવવી, જાહેર પરિવહનનો ઉપયોગ, કારપૂલિંગ તેમજ સમુદાય આધારિત ગ્રીન પહેલ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. આ પ્રવૃત્તિઓ માટે નાગરિકોને ગ્રીન પોઈન્ટ્સ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ પોતાની પર્યાવરણીય પ્રવૃત્તિઓ અને એકંદર ગ્રીન સ્કોરને ટ્રેક કરી શકશે.”

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, “પ્લેટફોર્મમાં AI આધારિત સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લાગુ પડતી હોય ત્યાં ફોટોગ્રાફ્સ અને સ્થળની માહિતી સહિતની પ્રવૃત્તિઓની ચકાસણીમાં મદદ કરે છે. AI ગ્રીન આસિસ્ટન્ટ ગ્રીન પ્રવૃત્તિઓ, અભિયાનો અને ગ્રીન પોઈન્ટ્સ અંગે માર્ગદર્શન પણ આપે છે.”

આ એપ Google Play Store અને Apple App Store પર ઉપલબ્ધ છે.

વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતી (IAS)એ જણાવ્યું કે, “આ પહેલનો હેતુ પર્યાવરણ સંરક્ષણમાં નાગરિકોની ભાગીદારીને સરળ, માપી શકાય તે રીતે અને રસપ્રદ બનાવવાનો છે. સાથે જ નાગરિકો અને સમુદાયોને દૈનિક જીવનમાં ટકાઉ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.”

ગ્રીન સિટિઝન સ્કોર કેવી રીતે કામ કરે છે?

આ એપ દૈનિક જીવનમાં કરવામાં આવતી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને નાગરિકના ગ્રીન યોગદાનના ડિજિટલ રેકોર્ડમાં રૂપાંતરિત કરે છે. વપરાશકર્તાઓ એપ મારફતે તેમની પ્રવૃત્તિઓની વિગતો રજૂ કરી શકે છે. ત્યારબાદ આ પ્રવૃત્તિઓની ચકાસણી કરવામાં આવે છે અને યોગ્ય જણાયેલી પ્રવૃત્તિઓ માટે ગ્રીન પોઈન્ટ્સ આપવામાં આવે છે. એકત્રિત થયેલા પોઈન્ટ્સ વપરાશકર્તાના ગ્રીન સ્કોરમાં ઉમેરાય છે.

પ્લેટફોર્મમાં ટકાઉ જીવનશૈલીના વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે:

• વૃક્ષારોપણ: નાગરિકો વૃક્ષારોપણની પ્રવૃત્તિઓમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે છે.

• કચરા વ્યવસ્થાપન: કચરાનું વિભાજન, રિસાયક્લિંગ અને સ્વચ્છતા જેવી પ્રવૃત્તિઓ રજૂ કરી શકે છે.

• જળ સંરક્ષણ: પાણીના સંરક્ષણ અને જળ સંસાધનોની સુરક્ષા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ નોંધાવી શકાય છે.

• ગ્રીન મોબિલિટી: પગપાળા ચાલવું, સાયકલ ચલાવવી, જાહેર પરિવહનનો ઉપયોગ અને કારપૂલિંગ જેવી ટકાઉ પરિવહન પ્રવૃત્તિઓને માન્યતા આપવામાં આવે છે.

• ગ્રીન કેમ્પેઇન: વપરાશકર્તાઓ પર્યાવરણલક્ષી અભિયાનોની માહિતી મેળવી તેમાં ભાગ લઈ શકે છે.

• પ્રવૃત્તિનો ઇતિહાસ: નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રવૃત્તિઓ, તેમની ચકાસણીની સ્થિતિ અને મેળવેલા પોઈન્ટ્સ જોઈ શકાય છે.

• લીડરબોર્ડ: એપ વપરાશકર્તાઓને પોતાની પ્રગતિ ટ્રેક કરવા તેમજ પ્લેટફોર્મ પર પોતાનું સ્થાન જોવા માટેની સુવિધા આપે છે.

• AI આસિસ્ટન્ટ: એપમાં રહેલો AI આસિસ્ટન્ટ ગ્રીન પ્રવૃત્તિઓ અને એપની વિવિધ સેવાઓ અંગે માર્ગદર્શન આપે છે.

આ મોબાઇલ એપ ટકાઉ પ્રવૃત્તિઓને નોંધવા અને તેની ચકાસણી કરવા તેમજ તેને ગ્રીન પોઈન્ટ્સ અને ગ્રીન સ્કોરમાં રૂપાંતરિત કરવા પર કેન્દ્રિત છે.

આ વ્યવસ્થા નાગરિકોને સમયાંતરે પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં પોતાની ભાગીદારીનું નિરીક્ષણ કરવાની સુવિધા આપે છે.

એક અધિકારીએ જણાવ્યું કે, “આ નાગરિકો માટે ડિજિટલ ‘ગ્રીન ડાયરી’ અને પોઈન્ટ્સ સિસ્ટમ છે. તે ચકાસાયેલી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનો રેકોર્ડ રાખે છે, ગ્રીન પોઈન્ટ્સ આપે છે અને સ્વચ્છ તથા વધુ ટકાઉ ગુજરાતના નિર્માણમાં નાગરિકોની ભાગીદારીને માન્યતા આપવા માટે ગ્રીન સ્કોર તૈયાર કરે છે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande