
નોઇડા, નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.). આજથી શરૂ થઈ રહેલા પાંચ દિવસીય યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો માટે પોલીસે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે. એક્સ્પો માર્ટ ખાતે યોજાનારા ટ્રેડ શોની સુરક્ષા માટે બાર સેક્ટર બનાવવામાં આવ્યા છે અને અંદાજે 4,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ગૌતમ બુદ્ધ નગર પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે, દરેક સેક્ટરમાં એક એસપી-સ્તરના અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા માટે એક પીએસી બટાલિયન પણ તૈનાત કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ટ્રેડ શોની સુરક્ષા માટે આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ડ્રોન અને સીસીટીવી કેમેરા સમગ્ર સંકુલ અને આસપાસના વિસ્તારોનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ટ્રેડ શોમાં વિદેશી મહેમાનો પણ આવવા લાગ્યા છે. તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એક્સ્પો માર્ટમાં મુલાકાતીઓ માટે ટ્રાફિકમાં અવરોધ ન આવે તે માટે યોગ્ય સ્થળોએ ટ્રાફિક ડાયવર્ઝન પણ લાગુ કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુરેશ ચૌધરી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ