
અમદાવાદ,28 સપ્ટેમ્બર (હિ.સ.) 2036માં અમદાવાદમાં કોમનવેલ્થ રમતો અને વરસાદના ભરાઈ જતાં પાણીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવી ડ્રેનેજ લાઈનો અને રસ્તા ઇન્ફ્રાસ્ટ્રકચર સુદ્રઢ બનાવવાની યોજના બનાવી રહી છે ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે છોડવામાં આવતા જ્વલનશીલ અને ઝેરી કેમિકલયુક્ત પાણીના કારણે ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો ફટકો પડ્યો છે.
બહેરામપુરા, દાણીલીમડા અને પીરાણા નજીક આવેલી ફેક્ટરીઓમાંથી બેરોકટોક વહેવડાવાતા એસિડિક પ્રવાહીને લીધે પીરાણા સ્થિત 180 એમએલડી (MLD) ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની ભારે મશીનરીઓ ખવાઈ ગઈ છે. આ અત્યાધુનિક મશીનરીઓ સદંતર બગડી જતાં તેને બદલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હવે પ્રજાની તિજોરીમાંથી 12 કરોડનો તોતિંગ ખર્ચ કરવો પડે તેવી નોબત આવી છે.
શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા ઔદ્યોગિક એસ્ટેટમાંથી અનેક એકમો કેમિકલયુક્ત ઝેરી પાણીને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપ્યા વગર જ છૂપા ગટર જોડાણો મારફતે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ડ્રેનેજ લાઇનમાં ઠાલવી રહ્યા છે.નારોલ, દાણીલીમડા અને બહેરામપુરા પંથકમાં 400થી વધુ ફેક્ટરીઓ ધમધમી રહી છે. આ ફેક્ટરીઓ પોતાના દસ્તાવેજોમાં એવો દાવો કરે છે કે તેઓ પાણીને ઈટીપી પ્લાન્ટમાં ટ્રીટ કરીને જ છોડે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ડ્રેનેજ લાઇનોમાં હજુ પણ ભારે કેમિકલયુક્ત પ્રવાહી વહી રહ્યું છે.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માત્ર સામાન્ય ઘરેલું ગટરના પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ ઔદ્યોગિક કેમિકલયુક્ત એસિડિક પાણી સતત આવવાના કારણે પમ્પિંગ સ્ટેશનના મોટરો, વાલ્વ અને પાઇપો સંપૂર્ણપણે ક્ષાર અને કાટ લાગવાથી ખવાઈ ચૂક્યા છે. 180 MLD ના પ્લાન્ટમાં 12 કરોડનો ખર્ચ કર્યા બાદ પીરાણા ખાતેના અન્ય 155 MLD પ્લાન્ટની પમ્પિંગ મશીનરી પણ બદલવામાં આવશે. આ સિવાય વાસણા એસટીપી પ્લાન્ટની મશીનરી પહેલેથી જ ડેમેજ થઈ ગઈ હોવાથી બદલવી પડી છે, જ્યારે આગામી દિવસોમાં વિંઝોલ ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશનમાં પણ આ જ પરિસ્થિતિને પગલે સાધનો બદલવાની કવાયત હાથ ધરાશે.
ઉદ્યોગો દ્વારા થતા ગેરકાયદે પ્રદૂષણને અટકાવવાની સીધી જવાબદારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને એએમસીના ઇજનેર વિભાગની છે. તેમ છતાં વર્ષોથી આ સમગ્ર કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ