
- ફોરેસ્ટ વિભાગના અધિકારીને ઘરે બોલાવીજમીન વિવાદમાં 60 હજારનું વળતર અને રિવોલ્વરથી ફાયરિંગનો આરોપ
અમદાવાદ,28 સપ્ટેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ફોરેસ્ટ વિભાગના અધિકારીને ઘરે બોલાવીજમીન વિવાદમાં 60 હજારનું વળતર અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં નર્મદાની અદાલતે ચુકાદો આપ્યો છે.
આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે ફોરેસ્ટ વિભાગના અધિકારીને ઘરે બોલાવી માર મારવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં નર્મદાની અદાલતે ચુકાદો આપ્યો છે. કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવીને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આ ચુકાદા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે અને નીચલી કોર્ટના સજાના હુકમ પર સ્ટે આપવા દાદ માંગી છે. આ અરજી પર હાઇકોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાય તેવી પ્રબળ શક્યતા છે.
કેસની વિગત મુજબ નર્મદા જિલ્લામાં જંગલ ખાતા હસ્તકની કેટલીક ખાલી જમીન પર સ્થાનિક ગ્રામજનોએ કપાસનું વાવેતર કર્યું હતું. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ જમીન પરથી દબાણ હટાવી સામાન જપ્ત કરી ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો. જેથી આર્થિક નુકસાન વેઠનારા ગ્રામજનોએ યોગ્ય વળતર મેળવવા માટે સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. ગ્રામજનોની રજૂઆત બાદ ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. પ્રાથમિક તબક્કે વનકર્મીઓ વળતર આપવા સહમત થતાં મામલો થાળે પડ્યો હોવાનું જણાતું હતું, પરંતુ પાછળથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ બાદ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ધારાસભ્યે વન વિભાગના અધિકારીઓને ઘરે બોલાવી હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી અને ગાળો ભાંડી હતી. આ ઉપરાંત ખેડૂતોના નુકસાની પેટે ₹60 હજારની રકમની બળજબરીપૂર્વક માંગણી કરી હતી. દરમિયાન ધારાસભ્યે પોતાના નિર્માણાધીન મકાનમાંથી રિવોલ્વર મંગાવી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને કર્મચારીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ ધાકધમકી અને મારપીટથી ગભરાઈ ગયેલા વનકર્મીઓએ તાત્કાલિક પોતાના બેંક ખાતામાંથી એટીએમ (ATM) મારફતે રોકડ રકમ ઉપાડીને ખેડૂતોને ચૂકવી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ