
આણંદ/અમદાવાદ,28 સપ્ટેમ્બર (હિ.સ.) આણંદ-બોરસદ રોડ પર વાંસખીલીયા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત,3ના મોત. જ્યારે અન્ય ત્રણ યુવકો ગંભીરરીતે ઘવાતા તેઓને સારવાર અર્થે ખસેડાયા છે. સામસામે અથડાયેલી બાઇકોના ફૂરચે ફૂરચા ઉડ્યા હતા.
આણંદ-બોરસદ રોડ પર નિજાનંદ રિસોર્ટ પાસેથી પસાર થઈ રહેલી બન્ને બાઇકો અથડાતા યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તુરંત જ મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા નાપા વાંટા ગામના 19 વર્ષીય અરમાન રફીક રાણા, સમીર રાજેશ રાણા તેમજ બોરસદના અંસાર ઝુબેર બેલીમનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું છે. એક સાથે ત્રણ-ત્રણ યુવાનોના અકાળે અવસાન થતાં પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે.અકસ્માતમાં અન્ય ત્રણ યુવાનોને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં નાપા વાંટાના તનવીર રાણા તેમજ બોરસદના અસલમખાન અને ઝુબેર કાઝીનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે કરમસદ સ્થિત મેડિકલ કોલેજ અને આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ મૃતકો અને ઇજાગ્રસ્તોના સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ કેમ્પસમાં ઉમટી પડ્યા હતા. લોકોના ટોળાં એકઠા થઈ જતાં હોસ્પિટલ પરિસરમાં ગમગીન માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવાની તજવીજ કરી હતી અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ