
સુરત, 03 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત શહેર અને જિલ્લામાં નોંધાયેલા તમામ શાહુકારોએ ગુજરાત નાણા ધિરનાર અધિનિયમ અને તેના નિયમોનું પાલન કરીને પારદર્શક રીતે નાણાકીય વ્યવહારો કરવા પડશે. જિલ્લામાં હાલ આશરે 1,127 શાહુકારો નોંધાયેલા છે. કાયદા મુજબ તારણવાળા ધિરાણ માટે મહત્તમ 12 ટકા અને તારણ વિનાના ધિરાણ માટે 15 ટકા વ્યાજની જોગવાઈ કરવામાં આવી છે.
નાણાં ધિરાણના વ્યવસાય સાથે સંકળાયેલા શાહુકારોએ નાણાકીય વર્ષ દરમિયાન પોતાના હિસાબોનું ઓડિટ કરાવવાનું રહેશે. આ ઉપરાંત સરકારના પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરીને દર મહિને 1થી 5 તારીખ દરમિયાન લોનની વિગતો દર્શાવતું નિયત નમૂનાનું પત્રક રજૂ કરવાનું રહેશે. વાર્ષિક હિસાબનું પત્રક પણ ઓનલાઈન સબમિટ કરવું ફરજિયાત છે.
ટર્નઓવર મુજબ ઓડિટની વ્યવસ્થા
જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા શાહુકારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, ધંધાનું ટર્નઓવર શૂન્ય હોય તેવા શાહુકારોએ પણ નિયત સમયમર્યાદામાં નીલ પત્રક રજૂ કરવું પડશે.
જે શાહુકારોનું વાર્ષિક ટર્નઓવર 50 લાખ રૂપિયાથી વધુ હોય તેમણે માન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) પાસે ફરજિયાત ઓડિટ કરાવવું પડશે. જ્યારે 50 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ વૈધાનિક ઓડિટર પાસે દર વર્ષે પોતાના હિસાબોનું ઓડિટ કરાવવાનું રહેશે.
નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી
સમયસર ઓડિટ પૂર્ણ નહીં કરનાર અથવા ઓડિટ રિપોર્ટ ઓનલાઈન અપલોડ કરવામાં વિલંબ કરનાર શાહુકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અધિનિયમ-2011 અને નિયમો-2013 હેઠળ દંડનીય કાર્યવાહી ઉપરાંત જરૂરી જણાય તો નાણાં ધિરાણની કામગીરી સામે કાર્યવાહી અને લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે છે.
સુરતના શાહુકારોના નિબંધક તથા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ દ્વારા તમામ નોંધાયેલા શાહુકારોને કાયદાકીય જોગવાઈઓનું કડકપણે પાલન કરવા અંતિમ સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે