સુરતમાં માતા-પુત્રીના રહસ્યમય મોતથી ચકચાર, બંનેના મોબાઈલ ગાયબ
સુરત, 03 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીમાં માતા અને પુત્રીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મકાન નંબર 227માંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ હત્યા છે કે સામૂહિ
સુરતમાં માતા-પુત્રીના રહસ્યમય મોતથી ચકચાર, બંનેના મોબાઈલ ગાયબ


સુરત, 03 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીમાં માતા અને પુત્રીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મકાન નંબર 227માંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ હત્યા છે કે સામૂહિક આત્મહત્યા, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

બુધવારે સાંજે સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી. મૃતકોની ઓળખ 42 વર્ષીય જશા (પત્ની અવધેશ શ્રીવાસ્તવ) અને તેમની પુત્રી મુસ્કાન અવધેશ શ્રીવાસ્તવ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

ઘટનાસ્થળેથી માતા અને પુત્રીના બંને મોબાઈલ ફોન મળી આવ્યા નથી. બંને ફોન ગાયબ હોવાની હકીકત પોલીસ તપાસમાં મહત્વની કડી બની શકે છે. આ મામલે કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.

પોલીસનું માનવું છે કે ગાયબ થયેલા મોબાઈલ ફોનની કોલ હિસ્ટ્રી અને ડેટા મળ્યા બાદ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં મદદ મળી શકે છે. હાલ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

પૂણા પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસે હત્યા, આત્મહત્યા સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી છે.

માતા-પુત્રીના મોત પાછળનું રહસ્ય શું છે અને તેમના મોબાઈલ ફોન ક્યાં ગયા, તે અંગે પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાનો ખુલાસો થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande