
ભાવનગર 4 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોની સુરક્ષા સાથે-સાથે રેલવે પરિસરમાં એકલા મળી આવતા બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે સતત સતર્કતા રાખવામાં આવી રહી છે. આ જ ક્રમમાં ઓપરેશન ‘નન્હે ફરિશ્તે’ હેઠળ જૂનાગઢ રેલવે સ્ટેશન પર RPFની ટીમે એક સગીર બાળકીને સુરક્ષિત રીતે મળી આવતાં ચાઇલ્ડ હેલ્પલાઇન મારફતે બાળ કલ્યાણ સમિતિ (CWC), જૂનાગઢને સોંપી હતી.
દિનાંક 03 સપ્ટેમ્બર 2026ના રોજ આશરે 20:00 વાગ્યે હેડ કોન્સ્ટેબલ રાહુલ દેવલિયા દ્વારા જૂનાગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ દરમિયાન એક સગીર બાળકી એકલી બેઠેલી જોવા મળી હતી. બાળકીને સુરક્ષાની દૃષ્ટિએ RPF કચેરી ખાતે લાવવામાં આવી હતી.
ત્યારબાદ સહાયક ઉપ નિરીક્ષક જગદીશ કુમાર તથા મહિલા કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબે દ્વારા બાળકીને સ્નેહપૂર્વક પૂછપરછ કરવામાં આવતાં તેણે પોતાનું નામ સંતોષી ગૌતમ, ઉંમર 15 વર્ષ, નિવાસી મોરબી, ગુજરાત હોવાનું જણાવ્યું હતું. બાળકીએ જણાવ્યું હતું કે તે પોતાના પિતા અને ભાઈથી નારાજ થઈને ઘરેથી નીકળી ગઈ હતી અને ટ્રેનમાં બેસીને જૂનાગઢ પહોંચી હતી.
બાળકી દ્વારા આપવામાં આવેલા તેના પિતાના મોબાઇલ નંબર પર સંપર્ક કરી તેમને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેના પિતાએ જણાવ્યું હતું કે તેઓ મોરબી ખાતે રહે છે અને દિનાંક 04 સપ્ટેમ્બર 2026ના રોજ પોતાની પુત્રીને લેવા માટે જૂનાગઢ આવવાના છે.
સગીર બાળકીની સુરક્ષા તથા નિયમોનુસારની આગલી કાર્યવાહી માટે RPF દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર સંપર્ક કરવામાં આવ્યો હતો. ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે તેઓ તે સમયે અન્ય એક પ્રકરણમાં વ્યસ્ત છે અને 04 સપ્ટેમ્બર 2026ના રોજ બાળકીને લેવા માટે ઉપસ્થિત રહેશે.
નિર્ધારિત સમયે ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રતિનિધિ RPF કચેરી, જૂનાગઢ ખાતે ઉપસ્થિત થયા બાદ GRP જૂનાગઢ તથા સ્ટેશન સ્ટાફ (સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ–જૂનાગઢ)ની હાજરીમાં સગીર બાળકીને સુરક્ષિત અને યોગ્ય હાલતમાં ચાઇલ્ડ હેલ્પલાઇન, જૂનાગઢને આગળની જરૂરી કાર્યવાહી માટે સોંપવામાં આવી હતી.
આ માનવીય અને સંવેદનશીલ કામગીરી બદલ મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, દિનેશ વર્માએ RPF કર્મચારીઓની સતર્કતા અને તત્પરતાની પ્રશંસા કરી હતી. તેમજ મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર, wz અજય શર્માના માર્ગદર્શન હેઠળ RPF દ્વારા બાળકોની સુરક્ષા અને સંરક્ષણ માટે આવા કિસ્સાઓમાં ઝડપી તથા સંવેદનશીલ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
રેલવે સુરક્ષા બળ મુસાફરોની સુરક્ષા સાથે-સાથે રેલવે પરિસરમાં અસહાય, ભટકેલા અથવા એકલા મળી આવતા બાળકોની ઓળખ કરી તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા તેમજ સંબંધિત બાળ સુરક્ષા સંસ્થાઓ સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ