ઉનામાં રખડતા શ્વાનોએ 3 કલાકમાં 27 લોકોને બચકાં ભર્યા:
ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો આતંક વધી ગયો છે. શહેરમાં શ્વાનોના ટોળા જોવા મળે છે, જે રાહદારીઓ અને વાહનચાલકો પાછળ દોડીને બચકાં ભરે છે. બાળકો, વૃદ્ધો અને રસ્તા પર અવરજવર કરતા લોકોમાં ડરનો માહોલ છે. શહેરમાં શ્વ
ઉનામાં રખડતા શ્વાનોએ 3 કલાકમાં


ગીર સોમનાથ 5 સપ્ટેમ્બર (હિ.સ.)

ઉના શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો આતંક વધી ગયો છે. શહેરમાં શ્વાનોના ટોળા જોવા મળે છે, જે રાહદારીઓ અને વાહનચાલકો પાછળ દોડીને બચકાં ભરે છે. બાળકો, વૃદ્ધો અને રસ્તા પર અવરજવર કરતા લોકોમાં ડરનો માહોલ છે. શહેરમાં શ્વાન કરડવાની ઘટનાઓ એટલી વધી ગઈ છે કે, માત્ર ત્રણ કલાકમાં આશરે 27 લોકોને શ્વાનોએ બચકાં ભર્યા છે. ઉના સરકારી હોસ્પિટલના રેકોર્ડ મુજબ, શ્વાન કરડવાના આશરે 27 કેસ નોંધાયા છે. આ સિવાય, ઉના તાલુકામાં એક મહિનામાં સરકારી હોસ્પિટલમાં લગભગ 300 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયા છે.

ઉના શહેરની શેરીઓ, બજારો, રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં રખડતા શ્વાનોના ટોળા જોવા મળે છે. વાહન લઈને પસાર થતા લોકો પાછળ પણ શ્વાનો દોડે છે. અચાનક રાહદારીઓ તરફ દોડી આવતા શ્વાનોના કારણે લોકોમાં ડર ફેલાયો છે. શાળાએ જતા બાળકો અને સવાર-સાંજ ચાલવા નીકળતા વૃદ્ધો માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક છે.

શ્વાનના બચકાંથી ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ જવું પડે છે. શ્વાન કરડ્યા પછી સારવાર અને રસીની જરૂર પડે છે. જેના કારણે અસરગ્રસ્ત પરિવારો પર વધારાનો ખર્ચ અને માનસિક તણાવ પણ આવે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, રખડતા શ્વાનોને પકડીને ખસીકરણ કરવાની કામગીરી બરાબર થતી નથી. આ કારણે શ્વાનોની સંખ્યા વધી રહી છે. હવે નગરપાલિકા દ્વારા આખા શહેરમાં સર્વે કરીને રખડતા શ્વાનોની સંખ્યાની માહિતી ભેગી કરવામાં આવે તેવી માંગ છે. સાથે જ, આક્રમક શ્વાનો સામે નિયમ મુજબ કાર્યવાહી કરીને ખસીકરણની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande