પારડીમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી, ૫૧ શિક્ષકો-આચાર્યોનું સન્માન
વલસાડ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર
પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા શિક્ષક દિન સમારોહમાં શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન કરતા મહાનુભાવો.


વલસાડ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના ૪ તથા તાલુકા કક્ષાના ૫ શ્રેષ્ઠ શિક્ષકો ઉપરાંત ૯ આચાર્યો અને છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ૩૮ વિષય શિક્ષકો મળી કુલ ૫૬ શિક્ષકો-આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન હંમેશા સર્વોચ્ચ રહ્યું છે. શિક્ષકો દેશના ભાવિનું ઘડતર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. સરકાર હંમેશા શિક્ષકોની પડખે રહી છે અને તેમના અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. બાકી રહેલા પ્રશ્નોના ઉકેલ માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે.

જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય આધારિત શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આજના સમયમાં વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી નહીં પરંતુ વિવિધ કૌશલ્યોમાં પણ નિપુણ બનાવવાની જરૂર છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓની કદર કરવા સાથે તેમના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવું જોઈએ.

જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને પોતાના શિક્ષક પાસેથી મળેલી પ્રેરણાનો અનુભવ રજૂ કરતાં શિક્ષકોને પોતાની ક્ષમતામાં સતત વધારો કરવા અને શિક્ષણને માત્ર નોકરી નહીં પરંતુ મિશન તરીકે સ્વીકારી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. એક શિક્ષકની ક્ષમતામાં વધારો થાય તો તેના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલે કર્યું હતું, જ્યારે આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવાએ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande