
અમદાવાદ,05 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ બાદ સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે અમદાવાદના ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ અને લાલદરવાજા સ્થિત સેશન્સ કોર્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે કોર્ટ પરિસરમાંથી લોકોની અવરજવર નિયંત્રિત કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લેવામાં આવ્યો હતો. BDDSની ટીમે ડોગ સ્ક્વોડની મદદથી કોર્ટ પરિસરના વિવિધ વિભાગોમાં તપાસ શરૂ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને બોમ્બ ધમકીનો ઈ-મેલ મળતા અમદાવાદ સહિત રાજ્યના સુરક્ષા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ઈ-મેલમાં અમદાવાદ અને સુરતની કોર્ટોમાં આરડીએક્સ દ્વારા વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ધમકીની જાણ થતાં જ પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી.
આ અંગે માહિતી મળતા જ પોલીસ, ફાયર અને બૉમ્બ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ કોર્ટ પરિસર ખાલી કરાવી BDDS(બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ની ટીમે તપાસ શરૂ કરી હતી.કોર્ટને મળેલા મેલમાં લખ્યું છે કે, અમદાવાદ અને સુરતની તમામ કોર્ટમાં આરડીએક્સ બૉમ્બ મુક્યો છે.
ધમકીના પગલે અમદાવાદના ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ અને લાલદરવાજા સ્થિત સેશન્સ કોર્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે કોર્ટ પરિસરમાંથી લોકોની અવરજવર નિયંત્રિત કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લેવામાં આવ્યો હતો. BDDSની ટીમે ડોગ સ્ક્વોડની મદદથી કોર્ટ પરિસરના વિવિધ વિભાગોમાં તપાસ શરૂ કરી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે. ધમકીભર્યા ઈ-મેલને લઈને કોર્ટ પરિસરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દરેક શંકાસ્પદ વસ્તુની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર અજાણ્યા વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈ-મેલ મોકલી અમદાવાદ અને સુરતની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઈ-મેલમાં બૉમ્બ આરડીએક્સ અમદાવાદ એન્ડ સુરત કોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખી સાયબર ક્રાઇમ વિભાગે ઈ-મેલના સ્ત્રોત અને મોકલનારની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.બીજી તરફ સુરતમાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં તમામ વકીલો તેમજ કોર્ટના કર્મચારીઓને તાબડતોબ બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હાલ સમગ્ર પરિસરમાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોર્ટો અને સરકારી સંસ્થાઓને આ પ્રકારના ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. તેવા તમામ બનાવોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. હાલની ઘટનામાં પણ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી સામે આવી નથી, જોકે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ