

- ગોત્રી તળાવ અને આસપાસના વિસ્તારમાં સફાઈ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વડોદરા,05 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા ખાતે આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને સૌંદર્યવર્ધનના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ અભિયાન યોજવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત આજે ગોત્રી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તળાવ પરિસર તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સુઘડ પર્યાવરણ મળી રહે તે માટે મહાનગરપાલિકાની ટીમો દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાનની સાથે ગોત્રી તળાવ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. હરિયાળું અને સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ ઘનિષ્ઠ સફાઈ અને વૃક્ષારોપણ અભિયાનમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતા મકવાણા, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, અગ્રણી જયપ્રકાશ સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. વડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે નાગરિકો પણ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને તે માટે આહવાન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ