200થી વધુ CCTV ફૂટેજની તપાસ બાદ વાપીની 10 ફ્લેટ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા ચોર ઝડપાયા
વાપી, 05 સપ્ટેમ્બર (હિ.સ.) વાપી શહેરના બલીઠા અને ચલા વિસ્તારમાં રિશીરાજ કોમ્પ્લેક્સ, મહાલક્ષ્મી એવન્યુ તથા ગેહના એપાર્ટમેન્ટમાં થયેલી દિવસ દરમિયાનની ઘરફોડ ચોરી અને ચોરીના પ્રયાસોના ગુનાનો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી
આરોપી સાથે પોલીસ ની ટીમ


વાપી, 05 સપ્ટેમ્બર (હિ.સ.) વાપી શહેરના બલીઠા અને ચલા વિસ્તારમાં રિશીરાજ કોમ્પ્લેક્સ, મહાલક્ષ્મી એવન્યુ તથા ગેહના એપાર્ટમેન્ટમાં થયેલી દિવસ દરમિયાનની ઘરફોડ ચોરી અને ચોરીના પ્રયાસોના ગુનાનો વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગત 29 મે 2026ના રોજ બલીઠા વિસ્તારમાં રિશીરાજ કોમ્પ્લેક્સના બે ફ્લેટ તથા મહાલક્ષ્મી એવન્યુના બે ફ્લેટમાં તાળા તોડી ચોરી કરવામાં આવી હતી. ચોરોએ ફ્લેટમાં પ્રવેશ કરી બેડરૂમમાં આવેલી તિજોરીઓ તોડી સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.4.75 લાખની મત્તા ચોરી કરી હતી. આ ઉપરાંત ચલા વિસ્તારના ગેહના એપાર્ટમેન્ટમાં પણ આશરે ચાર ફ્લેટમાં ઘરફોડ ચોરીના પ્રયાસો થયા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. એલ.સી.બી.ની ટીમોએ ઘટનાસ્થળ તથા આસપાસના 200થી વધુ CCTV ફૂટેજનું ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું.

તપાસ દરમિયાન ચોરી માટે ઉપયોગમાં લેવાયેલી લાલ રંગની પલ્સર મોટરસાઇકલ અંગે મહત્વની કડી મળી હતી. ટીમે વાપીથી મુંબઈ સુધીના રૂટના CCTV ફૂટેજ તપાસતા બે શંકાસ્પદ આરોપીઓના ફોટોગ્રાફ મળ્યા હતા. ટેકનિકલ તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની ઓળખ યશ ઉર્ફે ગટ્યા દત્તા દેશમુખ (19) અને ધનંજય ઉર્ફે ધનીયા ઉર્ફે ડીકે હરીશ કાલે (21), બંને પુણે, મહારાષ્ટ્ર તરીકે થઈ હતી.

બંને આરોપીઓ અગાઉ પણ મહારાષ્ટ્રના વિવિધ પોલીસ મથકોમાં ઘરફોડ ચોરી સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંનેને મહારાષ્ટ્રના કોથરૂડ પોલીસ સ્ટેશનના ગુનામાં 30 જૂન 2026ના રોજ અટક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા બંનેનો કબજો મેળવી વાપીમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. વલસાડના પી.આઈ. એ.યુ. રોઝ, પી.એસ.આઈ. જે.જી. પરમાર તથા એલ.સી.બી. સ્ટાફની ટીમે સંયુક્ત રીતે હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande