ધર્મનગર (ત્રિપુરા), નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.)
ઉત્તર ત્રિપુરાના મુખ્ય મથક ધર્મનગરમાં આવેલી કાલિકાપુર સબ-જેલમાંથી, છ કેદીઓ ફરજ
પરના જેલ ગાર્ડ્સ પર હુમલો કરીને ભાગી ગયા. જિલ્લા પોલીસ, તેમને પકડવા માટે શોધખોળ
કરી રહી છે. આ ઘટના બુધવારે સવારે બની હતી.
જેલ અધિક્ષક અને ઇન્ચાર્જ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) દેવયાની ચૌધરીએ
જણાવ્યું હતું કે,” આજે સવારે, જ્યારે કેદીઓને નિયમિત કામ માટે બહાર લઈ જવામાં આવી રહ્યા
હતા, ત્યારે તેઓએ
સંયુક્ત રીતે ગાર્ડ ગેડુ મિયાં પર હુમલો કર્યો. જ્યારે ગાર્ડ્સ અને જેલ સ્ટાફ
તેમનો સામનો કરવા આગળ વધ્યા, ત્યારે છ કુખ્યાત ગુનેગારો, જેમાં એક આજીવન કેદીનો પણ સમાવેશ થાય છે, તેમના પર પણ
હુમલો કર્યો અને મુખ્ય દરવાજામાંથી ભાગી ગયા. ઘાયલ ગાર્ડ ગેડુ મિયાંને ધર્મનગર
જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.”
ભાગી ગયેલા કેદીઓમાં, ડાકુ નાઝીમ ઉદ્દીન, રહીમ અલી, સુનીલ દેબબર્મા
(આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે), નારાયણ દત્તા, રોઝાન અલી અને અબ્દુલ ફત્તાહનો સમાવેશ થાય છે. તેમાંથી એક
આસામનો નાગરિક છે અને બીજો બાંગ્લાદેશનો નાગરિક છે.
એસડીએમ દેવયાની ચૌધરીએ જણાવ્યું હતું કે,” ભાગી ગયેલા
કેદીઓને પકડવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, ચોકીઓ અને અન્ય
એજન્સીઓ તેમજ પોલીસ દળોને, હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભાગી ગયેલા કેદીઓને
શહેર છોડીને, જતા અટકાવવા માટે વિવિધ સ્થળોએ ચેકપોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. ભાગી
ગયેલા કેદીઓના ફોટા જાહેર કરવામાં આવ્યા છે.”
ઉત્તર ત્રિપુરાના પોલીસ અધિક્ષક અવિનાશ કુમાર રાયના
નેતૃત્વમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ, ઘટનાની તપાસ શરૂ કરી છે. એસડીએમએ જણાવ્યું
હતું કે,” પોલીસ અધિકારીઓ ભાગી ગયેલા કેદીઓને પકડવા માટે આવશ્યક રણનીતિ પર કામ કરી
રહ્યા છે.”
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ