સુરત, 2 ઓક્ટોબર (હિ.સ.) નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઇના હસ્તે સુરત જિલ્લાના વલવાડા ખાતે નવરચિત અંબિકા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરે ધારાસભ્ય સંદિપ દેસાઇ અને મોહન ઢોડીયાની વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા. મહુવા તાલુકામાંથી વિભાજન કરી અંબિકા તાલુકાની રચના કરવામાં આવી છે. તાલુકાનું મુખ્ય મથક વલવાડા રહેશે.
આ પ્રસંગે નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, નવા તાલુકાની રચના થવાથી આદિવાસી સમાજનો વિકાસ વધુ વેગવંતો બનશે. સરકારે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસી સમાજને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને પાયાભૂત સુવિધાઓનો લાભ આપ્યો છે. આ યોજનાના પરિણામે આદિવાસી સમાજમાં નવી આશા અને વિશ્વાસ ઉભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત વિકાસયાત્રા આગળ ધપાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે વધુ વસ્તી ધરાવતા તાલુકાઓનું વિભાજન કરીને અંબિકાને નવા તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને આજે આ કચેરીનો પ્રારંભ થવાથી લોકો માટે વહિવટી કામગીરી સરળ બનશે.”
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવા તાલુકાની રચના એ માત્ર વહિવટી સુવિધા પૂરતી નથી, પરંતુ આદિવાસી સમાજના સામાજિક-આર્થિક વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. હવે લોકોને લાંબા અંતરે જવુ નહી પડે, તેમના ગામની નજીક ઘર આંગણે જ સરકારી કચેરી ઉપલબ્ધ હોવાથી સમય અને ખર્ચની બચત થશે. નવા તાલુકાની રચના થવાથી અંબિકા નદીનો વિસ્તાર વધુ વેગવંતો બનશે.
તેમણે આગળ વધીને સૌને લોકોને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વદેશી અપનાવવાથી માત્ર આપણી આર્થિક શક્તિ જ મજબૂત બનશે નહીં, પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર અને સ્થાનિક કારીગરોનો પણ વિકાસ થશે.
આ પ્રસંગે ધારાસભ્ય મોહન ઢોડીયાએ જણાવ્યું હતું કે, મહુવા તાલુકામાંથી વિભાજિત થઈને અંબિકા નવરચિત તાલુકો બન્યો છે. આ તાલુકા રચનાથી હવે લોકોને ટૂંકા અંતરે જ પોતાની કામગીરી પુરી કરવાની સુવિધા મળશે. અગાઉ લોકોને મહુવા સુધી જવું પડતું હતું, જેમાં સમય અને ખર્ચ બન્ને વધતા હતા, પરંતુ હવે નજીકમાં જ તાલુકા મથક મળી રહેતા વહિવટી સરળતા અને સુવિધામાં નોંધપાત્ર વધારો થશે. આ નિર્ણય સરકારની પ્રજાલક્ષી દૃષ્ટિ અને ગ્રામ્ય વિસ્તારોમાં સુખાકારી વધારવા માટેના પ્રયત્નોનું પ્રતિબિંબ છે. અંબિકા તાલુકો અસ્તિત્વમાં આવતા લોકો માટે નવું મથક આશીર્વાદરૂપ સાબિત થશે.”
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે