બહુચરાજી માતાજીને 300 કરોડના અનોખા 'નવલખા હાર'નો શણગાર – વર્ષમાં માત્ર દશેરાના દિવસે આપે છે દર્શન
મહેસાણા,2 ઓક્ટોબર (હિ.સ.) બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા 300 વર્ષથી વધુ સમયથી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરમાં માતાજીને નીત નવીન આભૂષણો પહેરાવવાની પરંપરા ગાયકવાડ સમયમાં શરૂ થઈ હતી. પરંતુ આ તમામ આભૂષણોમાં સૌથી અનોખો અ
બહુચરાજી માતાજીને 300 કરોડના અનોખા 'નવલખા હાર'નો શણગાર – વર્ષમાં માત્ર દશેરાના દિવસે આપે છે દર્શન


મહેસાણા,2 ઓક્ટોબર (હિ.સ.) બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા 300 વર્ષથી વધુ સમયથી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરમાં માતાજીને નીત નવીન આભૂષણો પહેરાવવાની પરંપરા ગાયકવાડ સમયમાં શરૂ થઈ હતી. પરંતુ આ તમામ આભૂષણોમાં સૌથી અનોખો અને અમૂલ્ય આભૂષણ છે નવલખા હાર, જેને આજે અંદાજે 300 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યવાન માનવામાં આવે છે.

ઈતિહાસ મુજબ, આ નવલખા હાર માનાજીરાવ ગાયકવાડે માતાજીને ભેટ રૂપે અર્પણ કર્યો હતો. ત્યારથી દર વિજયાદશમીના પાવન દિવસે જ બહુચર માતાજીને આ હાર પહેરાવવામાં આવે છે. વર્ષના બાકીના દિવસો આ હાર મંદિરના સુરક્ષિત ભંડારમાં જાળવી રાખવામાં આવે છે અને ખાસ દિવસે મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ તેને બહાર લાવવામાં આવે છે.

પ્રથમ નજરે જોવામાં આવતો આ હાર સામાન્ય દેખાય છે, પરંતુ તેની નજીક જઈને જોતા તેનો અદ્ભુત સૌંદર્ય સ્પષ્ટ થાય છે. લીલા, વાદળી અને સફેદ રંગના કિંમતી નીલમથી બનેલા આ હારમાં છ વિશાળકાય નીલમ તથા 100થી વધુ પોખરાજ રત્નો જડાયેલા છે. દરેક નીલમની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. આ હારનું મૂલ્યાંકન કરવા માટે મુંબઈ અને દિલ્હીના પ્રખ્યાત ચોક્સીઓને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ તેની ચોક્કસ કિંમત નક્કી કરવામાં અસમર્થ રહ્યા હતા.

આ નવલખા હાર માત્ર આભૂષણ જ નથી, પરંતુ ભક્તિ અને પરંપરાનું પ્રતિક છે. દર વર્ષે દશેરાના દિવસે જ ભક્તોને આ અમૂલ્ય હારના દર્શન કરવાનો મોકો મળે છે. ભક્તો માટે આ ક્ષણ અત્યંત પાવન અને અવસરરૂપ બને છે, જ્યારે તેઓ માતાજીને આ ઐતિહાસિક અને અદ્વિતીય હારમાં શોભતા જોવા પામે છે.

આ રીતે બહુચરાજી માતાનું નવલખા હાર માત્ર ધન-સંપત્તિનું પ્રતિક નથી, પરંતુ સદીઓથી ચાલતી આવતી ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનું જીવંત સાક્ષી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande