સુરત, 2 ઓક્ટોબર (હિ.સ.)-અમદાવાદના નારણપુરા ખાતે આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માંથી રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલ મહાકુંભ – 2025 નો શુભારંભ સમારોહ ગુરુવારે સંપન્ન થયો હતો.
આ પ્રસંગે ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી, ત્રણ મહાનગરપાલિકા અને ત્રણ જિલ્લાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ખેલ મહાકુંભ 3.0માં રાજ્યની મહાનગરપાલિકાઓ પૈકી સુરત મહાનગરપાલિકાએ “ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન” તરીકે સન્માન પ્રાપ્ત કર્યું છે. સુરતના રમતવીરો દ્વારા 192 ગોલ્ડ મેડલ, 171 સિલ્વર મેડલ અને 214 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 577 મેડલ્સ મેળવવામાં આવ્યા હતા. આ પ્રદર્શન સાથે સુરત શહેરે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવી સમગ્ર શહેરને ગૌરવ આપ્યું છે.
ઉદ્ઘાટન સમારોહમાં સુરતના મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલને, રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રથમ ક્રમાંકિત ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ વર્ષે પણ સુરત શહેરનું રજીસ્ટ્રેશન 3 લાખ 24 હજાર જેટલું નોંધાયું છે, જે શહેરના રમતપ્રેમીઓનો ઉત્સાહ દર્શાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે