સુરત, 2 ઓક્ટોબર (હિ.સ.)-કેન્દ્રિય યુવા અને રમતગમત મંત્રાલય (MoYAS) હેઠળના માય ભારત – સુરત દ્વારા યુવાનોને વડીલોની સારસંભાળ સાથે જોડવાના ઉદ્દેશ્યથી લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ (ડિંડોલી) અને ભારતીમૈયા વૃદ્ધાશ્રમ (વેસુ) ખાતે, ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ’ (International Day of Older Persons)ની ભાવનાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ૧૦૦ થી વધુ વડીલોએ, ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માય ભારત, સુરતના નાયબ નિયામક સચિન શર્માના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો જીનેશ મહેતા, સંસ્કૃતિ સિંહ, ગૌરવ પડાયા અને જૈવિક રયાણીએ વડીલોને મ્યુઝિકલ ચેર, અંતાક્ષરી જેવી રમતો રમાડીને મનોરંજન કર્યું હતું.
તેમજ વડીલો સાથે અનુભવોનું આદાનપ્રદાન, સામૂહિક ગીત-સંગીત અને ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા યુવા સ્વયંસેવકોને, વડીલોના જીવનના અનુભવોમાંથી ઘણું શીખવા મળ્યું અને યુવાનો-વડીલો વચ્ચેનો માનવીય બંધન વધુ મજબૂત બન્યું. સાથે જ વૃદ્ધજનો પ્રત્યે સન્માન અને સંવેદનાનો સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે