મહેસાણા , 2 ઓક્ટોબર (હિ.સ.)
વિશ્વને સત્ય અને અહિંસાનો શાશ્વત સંદેશ આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આજે મહેસાણા ખાતે તેમની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા નાગરિકો સાથે મળીને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.
પ્રતિમા સમક્ષ મૌન પાળી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ગાંધીજીના આદર્શો જેવા કે અહિંસા, સત્યાગ્રહ, સ્વદેશી અને સ્વચ્છતાના મૂલ્યોને જીવનમાં અપનાવવાની અપીલ કરવામાં આવી. સાંસદશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગાંધીજીના વિચાર આજે પણ યુગોપયોગી છે અને વિશ્વને સાચા માર્ગ પર દોરી શકે છે. તેમણે જણાવ્યું કે, “અમે સૌએ તેમના જીવનમૂલ્યોમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.”
આ અવસર પર વિવિધ સમાજસેવી સંગઠનો તથા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌએ સ્વચ્છતા, ગ્રામ વિકાસ અને રાષ્ટ્રપ્રેમ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
મહેસાણા ખાતે યોજાયેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માત્ર એક ઔપચારિકતા નહોતો, પરંતુ ગાંધીજીના અવિનાશી સંદેશને જીવનમાં ઉતારવાનો એક પ્રેરણાદાયી અવસર બન્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR