મહેસાણા,2 ઓક્ટોબર (હિ.સ) આજ રોજ મહેસાણા ઘટક-3 ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને સાથે સાથે ICDS (Integrated Child Development Scheme) સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી.
આ અવસર પર આંગણવાડી કાર્યકર્તા બહેનો, બાળકો તેમજ માતા-પિતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગાંધીજીના ચરિત્ર પર આધારિત પ્રેરણાત્મક પ્રસંગોની ચર્ચા સાથે કરવામાં આવી હતી. બાળકો દ્વારા ભજન અને દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સર્વે ઉપસ્થિતો જોડાયા હતા. કાર્યકર્તાઓએ બાળકોમાં સ્વચ્છતા, પોષણ અને સ્વદેશી વિચારધારાના મહત્વ અંગે સમજણ આપી.
ICDS સ્થાપના દિવસના અનુસંધાને પોષણ અને બાળ વિકાસ વિષે ખાસ માહિતગાર કરવામાં આવ્યું. માતાઓને સંતુલિત આહાર, સ્તનપાનના મહત્વ અને બાળકોના આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આંગણવાડી કેન્દ્રોએ વિવિધ પ્રદર્શન અને ચિત્રકામ દ્વારા ગાંધીજીના જીવનમૂલ્યો રજૂ કર્યા. કાર્યક્રમના અંતે સૌએ સંકલ્પ કર્યો કે બાળકોના સર્વાંગી વિકાસ અને સ્વચ્છતા પ્રત્યે સતત કાર્યરત રહેશે.
આ રીતે મહેસાણા ઘટક-3 માં યોજાયેલ આ દ્વિ-ઉજવણી માત્ર આનંદપ્રદ જ નહીં પરંતુ જનજાગૃતિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR