પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) પાટણ જિલ્લાના સંડેર ગામ નજીક ઉત્તર ગુજરાતમાં ખોડલધામ સંકુલના નિર્માણનો શુભારંભ વિજયાદશમીના પાવન દિવસે નાની બાળાઓના હસ્તે ભૂમિપૂજન અને પૂજન-અર્ચન સાથે કરવામાં આવ્યો. સૌરાષ્ટ્રના કાગવડ બાદ રાજ્યમાં બનતું આ બીજું ખોડલધામ સંકુલ છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ છવાયો છે.
આ પાવન પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઉત્તર ગુજરાતના ટ્રસ્ટીઓ, કન્વીનરો, સંડેર તથા આસપાસના ગામોના આગેવાનો અને ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પાટણ જિલ્લાના ખોડલધામ સંકુલના કન્વીનર દૈવતભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં 10 કરોડના ખર્ચે માતાજીનું મંદિર, એક હોલ અને પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવશે.
સંપૂર્ણ 100 કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ ભવ્ય પ્રોજેક્ટમાં ખોડલ મંદિર ઉપરાંત લગ્ન હોલ, પાર્ટી પ્લોટ, ઓફિસ, આરોગ્ય માટે હોસ્પિટલ, ખેડૂતો માટે કૃષિ સંશોધન કેન્દ્ર, UPSC-GPSC માટે એજ્યુકેશન સેન્ટર તથા સ્પોર્ટ્સ સંકુલનો સમાવેશ થવાનો છે. આ ભવ્ય સંકુલ ઉત્તર ગુજરાતના ધાર્મિક અને સામાજિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ