મહેસાણા, 2 ઓક્ટોબર (હિ.સ
મહેસાણા ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસર પર આજે ખાદી ગ્રામોધ્યોગમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ શ્રી હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તા બંધુઓ તથા પદાધિકારીઓ સાથે મળીને ખાદીના વસ્ત્રોની ખરીદી કરી.
ગાંધીજયંતિના દિવસે ખાદી ખરીદવાનો કાર્યક્રમ માત્ર પરંપરા નથી પરંતુ સ્વદેશી અને સ્વાવલંબનની વિચારધારા પ્રત્યેની શ્રદ્ધાંજલિ છે. સાંસદશ્રીએ આ અવસર પર જણાવ્યું હતું કે, ખાદી એ આપણા સ્વાભિમાનનું પ્રતિક છે. ગાંધીજીના સપનાનું ભારત સ્વચ્છતા, સ્વદેશી અને સ્વરાજ્યના આધાર પર રચાયું હતું, જેમાં ખાદીનું વિશેષ સ્થાન છે.
કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ પણ ખાદી પ્રત્યેના પોતાના અભિગમ વ્યક્ત કર્યા અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળે તે દિશામાં વધુ ને વધુ લોકો ખાદી ખરીદી કરે તેવું અનુરોધ કર્યો. ખાદી ગ્રામોધ્યોગ દ્વારા વિવિધ પ્રકારના ખાદી વસ્ત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેને લોકોએ ઉત્સાહભેર ખરીદ્યા.
આ પ્રસંગે સૌએ સંકલ્પ કર્યો કે ખાદીનો ઉપયોગ કરીને આપણે માત્ર પરંપરાને જીવંત રાખી રહ્યા નથી પરંતુ સ્થાનિક કારીગરોના જીવનમાં આર્થિક શક્તિ અને નવા અવસરો ઊભા કરી રહ્યા છીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR