- સ્વાવલંબન, સ્વચ્છતા અને સ્વદેશીનો આપણો સંકલ્પ ભારતની ઉન્નતિનો આધાર
- મહાત્મા ગાંધીજીના જીવન આદર્શો અને મૂલ્યો આજના સમયમાં એટલા જ પ્રસ્તુત અને જીવંત
- પૂજ્ય બાપુના આદર્શોને 'મેક ઇન ઇન્ડિયા', સ્વદેશી ભારત અને આત્મનિર્ભર ભારતની મુહિમ થકી સાકાર કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ
અમદાવાદ,2 ઓકટોબર (હિ.સ.) ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 156મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ, મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ પરિસરમાં સફાઈકાર્યમાં સહભાગી થઈને શ્રમદાન કર્યું હતું. રાજ્યપાલએ આ પ્રસંગે ડિજિટલ પેમેન્ટ કરીને ખાદીની ખરીદી કરી સ્વદેશી મુહિમને પણ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતીના અવસરે તેમણે ગાંધીજી અને શાસ્ત્રીજીના જીવન આદર્શોનું સ્મરણ કર્યું હતું.
રાજ્યપાલએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાષ્ટ્રનિર્માણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહામૂલા યોગદાનને પણ આ અવસરે બિરદાવ્યું હતું. રાજ્યપાલએ કહ્યું હતું કે આજનો દિવસ અત્યંત પ્રેરણાદાયી દિવસ છે. ગાંધીજીના જીવન આદર્શો અને આજના સમયમાં તેમની પ્રસ્તુતતા વિશે વાત કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના જીવન આદર્શો અને મૂલ્યો આજના સમયમાં એટલા જ પ્રસ્તુત અને જીવંત છે. જીવન અને મૃત્યુ વચ્ચે આપણે જનકલ્યાણ માટે કેટલા પ્રયત્નશીલ રહીએ છીએ એ મહત્વનું છે. જેઓ અન્યોના દુઃખો દૂર કરવા અને અન્યોના જીવનમાં ઉજાસ પાથરવા જીવન જીવે છે, તેમનું જીવન સાર્થક બને છે એમ તેમણે ઉમેર્યું હતું.
બાપુએ સંસાધનોના અભાવમાં પણ તપસ્વીની જેમ સતત પરિશ્રમ કરીને જીવન ચિંતન આપ્યું હતું એમ જણાવીને રાજ્યપાલશ્રી કહ્યું હતું કે બાપુએ આપણી પ્રાચીન ઋષિ પરંપરાને જીવંત રાખવા અથાગ પ્રયત્નો કર્યા હતા. 'વૈષ્ણવ જન..' ભજનમાં સંયમ, ત્યાગ, તપશ્ચર્યા, પુણ્ય જેવા બાપુના જીવનના આદર્શોની અનુભૂતિ થાય છે.
સત્ય બોલવાથી સુખની અનુભૂતિ થાય છે એમ જણાવીને રાજ્યપાલએ કહ્યું હતું કે, અન્યોને સુખી રાખવાની ભાવના હોય તો પોતાને પણ સુખની પ્રાપ્તિ અવશ્ય થતી હોય છે. જેમ આપણું કોઈ છીનવી ન લે એ માટે આપણે સજાગ રહેતા હોઈએ છીએ એમ અન્યોનું કંઈ આપણે ન છીનવી લઈએ એ માટે પણ આપણે સભાન રહેવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
અંગ્રેજોની ગુલામી અને અત્યાચારો સામે બાપુની લડત વિશે વાત કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, અંગ્રેજોએ દેશને ગુલામીની માનસિકતા તથા લૂંટફાટ, ઉંચ-નીચના ભેદભાવો અને આંતરિક મતભેદોના બળે ગુલામ બનાવ્યો હતો. ઉત્તરોત્તર તેમણે ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને નષ્ટ કરી હતી. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી અપાવવા બાપુએ શાશ્વત જીવન મૂલ્યો અપનાવ્યા હતા.
રાજ્યપાલએ કહ્યું હતું કે, પેટ્રોલિયમ પેદાશો અને કુત્રિમ ખાતરોની આયાતમાં દેશનું સૌથી વધુ ધન વપરાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે સક્રિય પ્રયાસો શરૂ કર્યા હતા. જેના ભાગરૂપે આજે આપણે વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બન્યા છીએ. આજે દેશમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો પ્રત્યે નિર્ભરતા વધી છે. આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્રે પણ આપણે આત્મનિર્ભર બન્યા છીએ. આજે આપણો દેશ સુરક્ષા ઉપકરણોની નિકાસ કરતો થયો છે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આપણે બીજામાં જે જોવાની ઈચ્છા રાખતા હોય એવા આપણે પોતે પણ બનવું જોઈએ. સાથે જ તેમણે સ્વાવલંબન, આત્મનિર્ભર ભારત, સ્વદેશી ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.
આ તકે રાજ્યપાલએ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા યોજાનાર સંકલ્પ સ્વદેશીયાત્રા વિશે વાત કરતા યાત્રામાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક અને સક્રિય રીતે સ્વદેશી, સ્વાવલંબન, સ્વચ્છતા અને પ્રાકૃતિક કૃષિના સંકલ્પને ગામેગામ સુધી લઈ જવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે ઉપસ્થિત સૌને સત્ય, અહિંસા, સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ સહિતના ગાંધીજીના વિચારોને જીવંત રાખવા અને તેમના જીવન મૂલ્યોને ઈમાનદારીથી આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો. બાપુ દ્વારા સ્થાપિત આ સંસ્થા માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પણ શિક્ષિત અને ચારિત્રવાન પેઢી બનાવવાના અને ભારતીય જીવન મૂલ્યોને આગળ ધપાવવાના ઉદ્દેશ સાથે કાર્ય કરશે એવો આશાવાદ રાજ્યપાલએ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીને યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદ પટેલે સૌને આવકાર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, ગૂજરાત વિદ્યાપીઠ દર વર્ષે સ્વદેશી, સ્વાવલંબન અને ખાદી સાથે ગાંધી જયંતીની ઉજવણી કરે છે. પૂજ્ય બાપુના સત્ય અને અહિંસાના મૂલ્યો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. સાથે જ, તેમણે આગામી ૧૦થી ૧૫ નવેમ્બર દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાથીઓની સહભાગિતા દ્વારા યોજાનાર, સંકલ્પ સ્વદેશી પદયાત્રા વિશે પણ વિગતો રજૂ કરી હતી. 'હર ઘર સ્વદેશી'ના નારા સાથે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ 18 હજાર ગામડાઓમાં પદયાત્રા કરીને ઘરે ઘરે સ્વદેશીનો સંદેશ પહોંચાડશે એમ હર્ષદ પટેલે જણાવ્યું હતું.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડો.હિમાંશુ પટેલ, ટ્રસ્ટી આયેશા પટેલ, સુરેશ રામાનુજ, વિદ્યાપીઠના વિવિધ વિભાગોના પ્રાધ્યાપકો તથા સંસ્થા સાથે જોડાયેલા લોકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ