જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રાજડા ગામે 1 ઓક્ટોબરને બુધવારે ગામના ગૌરવ અને ભારત માતાના વીર સપૂત પંકજ પરસોતમભાઈ દોંગાનું ભવ્ય સ્વાગત તથા સન્માન સમારોહનું આયોજન ભવ્યાતિભવ્ય રીતે કરાયું હતું.રાજડા ગામના વતની વીર સપૂત છેલ્લા 17 વર્ષથી ભારતીય સેનામાં અવિરત સેવા આપી રહ્યા છે. કઠોર પરિસ્થિતિઓમાં પણ દેશની સરહદો પર સચેત રહી વતનનું નામ રોશન કરનાર આ જવાન જ્યારે પોતાના વતન પરત ફર્યા, ત્યારે સમગ્ર રાજડા ગામે ગૌરવ અને ઉત્સાહની લાગણી સાથે તેમનું ઐતિહાસિક વધામણું કર્યું હતું.ગામના પ્રવેશદ્વારેથી જ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકાવા ગામથી રાજડા સુધીની આ શોભાયાત્રામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને નાના બાળકો સક્રિય રીતે જોડાયા હતા. માર્ગ પર દેશભક્તિના ગીતો ગવાયા હતા, અને “ભારત માતા કી જય”ના નારા ગુંજ્યા હતા, ઉપરાંત ચોમેર તિરંગાના ધ્વજ લહેરાતાં દેશભક્તિનો અદભૂત માહોલ સર્જાયો હતો. પ્રત્યેક સ્થળે ગ્રામજનો દ્વારા ફૂલમાળા પહેરાવી પંકજભાઈ દોંગાને સન્માનિત કરવામાં આવ્યા હતા.શોભાયાત્રા બાદ યોજાયેલા સન્માન સમારોહમાં ગામના સરપંચ અશ્વિનભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે આજે રાજડા ગામમાં સાચા અર્થમાં ગૌરવનો દિવસ આવ્યો છે. ગામનો વીર સપૂત 17 વર્ષ સુધી ભારતીય સેનામાં રહી માતૃભૂમિની સેવા કરી રહ્યો છે, તે સમગ્ર ગામ માટે પ્રેરણારૂપ છે. આવા વીર જવાનો જ આપણા દેશના સાચા આદર્શ છે.આ પ્રસંગે ગામના આગેવાનો, શિક્ષકો, યુવા મંડળો તથા મહિલાઓએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. ખાસ કરીને નવયુવાનોને સંબોધતાં પંકજભાઈ દોંગાએ જણાવ્યું હતું કે ભારત માતાની સેવા કરવી જીવનનું સર્વોચ્ચ ગૌરવ છે. ગામ, સમાજ અને દેશ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. યુવાનો દેશપ્રેમ, શિસ્ત અને એકતાને જીવનમાં અંકિત કરે, એ જ સાચું દેશસેવાનુ યોગદાન છે.નવજીવન વિદ્યાલયના બાળકો તથા શિક્ષકમંડળે પણ આ પ્રસંગે ભાગ લીધો હતો. નાના બાળકોમાં સૈનિક જીવન પ્રત્યે જિજ્ઞાસા જાગૃત થઈ હતી, જ્યારે યુવાનોમાં દેશસેવાની પ્રેરણાનો પ્રવાહી બની રહી હતી. ગામના વડીલોએ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગામના રસ્તાઓ પર તિરંગાના રંગો છવાઈ ગયા હતા. લોકોના હાથમાં ધ્વજ, મોઢે દેશપ્રેમના નારા અને દિલમાં વીર સપૂત પ્રત્યેનું ગર્વ, વગેરેએ સમગ્ર વાતાવરણને અનોખું બનાવ્યું હતું. સમારોહના અંતે ગામજનોએ એકસ્વરે “વંદે માતરમ” ના જયઘોષ સાથે ભારતીય સેનાને સલામી આપી હતી. આવી ભવ્ય ઉજવણી દ્વારા રાજડા ગામે ફરી એકવાર સાબિત કર્યું કે દેશના જવાનોનું ગૌરવપૂર્વક સન્માન કરવું એ આપણા સૌનું કર્તવ્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt