ભુજ/અમદાવાદ,2 ઓકટોબર (હિ.સ.) વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનનું ખૂબ મહત્વ હોય છે. હિન્દુઓમાં ઠેર ઠેર શસ્ત્ર પૂજાના કાર્યક્રમ થાય છે, આજે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે દશેરાના દિવસે ભુજમાં કચ્છમાં રાજનાથ સિંહે L-70 એર ડિફેન્સ ગનની શસ્ત્ર પૂજા કરી હતી.
તેમણે શસ્ત્ર પૂજા સમારોહ કરતા પહેલા સૈનિકોને સંબોધિત કર્યા હતા, જેમાં ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલી L-70 ગન ડિફેન્સ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે.
શસ્ત્ર પૂજાનું મહત્વ સમજાવતા રક્ષામંત્રીએ કહ્યું, શસ્ત્રો પ્રત્યેની ભક્તિ એ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયની મહાનતા દર્શાવે છે. તેથી, જ્યારે આપણે શસ્ત્રની પૂજા કરીએ છીએ, ત્યારે આપણે આ શક્તિનો ઉપયોગ ફક્ત ધર્મ અને ન્યાયના રક્ષણ માટે જ કરવાનો સંકલ્પ પણ કરીએ છીએ.
L-70 ગન પ્રતિ મિનિટ 300 રાઉન્ડ ફાયર કરે છે અને 3,500 મીટર સુધીના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં L-70 સિસ્ટમે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાનને સર ક્રીક વિસ્તારમાં સરહદ વિવાદ અંગે ચેતવણી આપી.
સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, આઝાદીના 78 વર્ષ પછી પણ સર ક્રીકમાં સરહદ વિવાદ સતત ઉઠી રહ્યો છે. ભારતે વારંવાર વાતચીત દ્વારા તેને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનના ઇરાદામાં કંઈક ખોટ છે.
સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, સર ક્રીકને અડીને આવેલા વિસ્તારોમાં પાકિસ્તાનના લશ્કરી માળખાના તાજેતરના વિસ્તરણ તેના ઇરાદાઓને છતી કરે છે. જો પાકિસ્તાન સર ક્રીક ક્ષેત્રમાં કોઈપણ આક્રમક કૃત્ય કરવાની હિંમત કરશે, તો તેને જડબાતોડ જવાબ મળશે જે ઇતિહાસ અને ભૂગોળ બંનેને બદલી નાખશે.
રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન લેહથી સર ક્રીક સુધીની ભારતની ડિફેન્સ સિસ્ટમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમને સંપૂર્ણપણે ખુલ્લી પાડીને જવાબી કાર્યવાહી કરી હતી.
તેમણે કહ્યું, ભારતીય સેનાએ દુનિયાને સંદેશ આપ્યો છે કે, તે જ્યારે પણ અને જ્યાં ઈચ્છે ત્યારે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં તેના તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા. જોકે, સરહદ પારના આતંકવાદ સામેની તેની લડાઈ ચાલુ રહેશે.
ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સશસ્ત્ર દળોએ દર્શાવ્યું કે, આપણી પાસે ભારતની સાર્વભૌમત્વને પડકારતી શક્તિઓનો શિકાર કરવાની અને નાશ કરવાની શક્તિ છે, ભલે તે ગમે ત્યાં છુપાયેલી હોય. જો કોઈ વૈશ્વિક શક્તિ આપણી સાર્વભૌમત્વને પડકારશે તો ભારત ચૂપ નહીં રહે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ