પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) સમી તાલુકાના ગોધાણા ગામે નાડોદા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન અને પાળીયા પૂજનનું આયોજન થયું. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પ્રમાણે વડીલો, યુવાનો અને બાળકોએ ભક્તિભાવથી ભાગ લીધો. પ્રથમ વડીલોની આગેવાનીમાં શસ્ત્રોનું પૂજન અક્ષત, ફૂલ અને ધૂપથી કરવામાં આવ્યું, ત્યારબાદ પાળીયા પૂજન પૂર્ણ થયું.
વડીલો એ યુવા પેઢીને શસ્ત્ર અને પાળીયા પૂજનનું મહત્વ સમજાવ્યું. શસ્ત્રો પરાક્રમ અને રક્ષણનું પ્રતિક છે, જ્યારે પાળીયા પૂર્વજોની યાદ અપાવે છે. આ પરંપરા નવી પેઢીને પોતાની સાંસ્કૃતિક ઓળખ અને મહત્વ સમજાવે છે.યુવાનોએ ઉત્સાહ સાથે પૂજન વિધિમાં ભાગ લીધો અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. પૂજન બાદ સમુદાય માટે ભોજન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધાણા ગામમાં આ કાર્યક્રમથી સમાજમાં ભક્તિ અને એકતાનો ભાવ ઝળકાયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ