પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.)પાટણના ખોડાભા હોલ ખાતે નવરાત્રિના ગરબા કાર્યક્રમ દરમિયાન શહેરના બોરસણ રોડ, શીવવીલા સોસાયટી, અંબાજીનગર ચોકડી ખાતે રહેતા 20 વર્ષીય જયદીપ દિનેશજી ઠાકોર પર ત્રણ યુવકોએ હુમલો કર્યો હતો. જયદીપ પોતાના સાથીઓ સાથે ગરબા જોવા ગયો હતો અને ટ્રેડીશનલ ગરબા રમવા ગેટ બહાર ઊભો હતો ત્યારે આ ઘટના બની હતી.
મહેશ ઉર્ફે ભટ્ટ નામના આરોપીએ જૂના ઇન્સ્ટાગ્રામ લાઇવના ઝઘડાને લીધે અદાવત રાખી પાછળથી આવીને જયદીપનો કોલર પકડ્યો અને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો. વધુ તણાવ ટાળવા જયદીપ ગેટ બહાર આવ્યો હતો. પણ ત્યારે મહેશ સાથે લાલેશ અને ધવલ પણ ત્યાં પહોંચી ગયા.
લાલેશ અને ધવલે જયદીપને પકડી રાખ્યો અને મહેશે તેને આડેધડ માર માર્યો તથા જીવથી મારી નાખવાની ધમકી આપી. જો કે આટલેથી પણ ન અટકી, મહેશ પોતાની તલવાર લઈને જયદીપને મારવા માટે ધસી આવ્યો, પરંતુ જયદીપ સાવચેત રહીને ત્યાંથી નાસી છૂટ્યો.
આ સમગ્ર ઘટનામાં મહેશ, લાલેશ અને ધવલે ગુનામાં સહભાગી થઈ પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ અંગે જયદીપ દિનેશજી ઠાકોરે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ તરફથી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ