સુરત, 2 ઓક્ટોબર (હિ.સ.)- માંડવી તાલુકાના આંબા પારડી ગામ ખાતે બનેલી દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનાને પગલે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિત પરિવારજનોની મુલાકાત લીધી અને તેમના દુઃખ-વેદનામાં સહભાગી થયા હતા. હળપતિએ પરિજનોને આશ્વસ્ત કર્યા હતા અને જીવન નિર્વાહ માટે તાત્કાલિક રોકડ અને રાશન સહાય કરી હતી.
જમુભાઈ રામાભાઈ ચૌધરી તથા નાનુબેન પરભુભાઈ ચૌધરીના નિવાસસ્થાને આગ લાગતા પરિવારના પહેરવાના કપડાં, વાસણ તથા જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ નાશ પામી હતી. આ કપરા સંજોગોમાં રાજ્યમંત્રીએ પીડિત દંપતીને વ્યક્તિદીઠ રૂ.25,000ની રોકડ સહાય આપી તથા પાંચ મહિનાની રાશન કિટ પૂરી પાડી તાત્કાલિક રાહત ઉપલબ્ધ કરાવી હતી.
આ ઉપરાંત, રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સ્થાનિક અધિકારીઓને ઘટનાની વિગતવાર તપાસ કરી પીડિત પરિવારને સરકારની અન્ય સહાયકારી યોજનાઓનો લાભ સત્વરે મળી રહે તે માટે કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે