ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): આધુનિક સમયમાં વધી રહેલા સાઇબર ફ્રોડ અને ડીજીટલ ગુન્હાઓ કે જે વિડીયો કોલ ફ્રોડ અને એપ્લીકેશન દ્વારા થતાં થતાં હોય છે. આ તમામ ડિજિટલ ગુન્હાઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સહયોગથી સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા વી.વી. મંદિર હાઈસ્કૂલ ખાતે ‘સાઈબર ફ્રોડ અને ડિજિટલ ગુન્હાઓ’ અંગે સેમિનાર યોજાયો હતો.
પૂર્વ મંત્રી જશા બારડની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં બેંકના અધિકારીઓ દ્વારા સાઇબર ક્રાઇમથી સુરક્ષિત રહેવા માટેની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સાથે બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલ “સાઇબર સાથી” નામની પુસ્તિકાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકા વિદ્યાર્થીઓ અને શહેરના નાગરિકોને સાઇબર ગુનાઓથી બચવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. આ પહેલથી ડિજિટલ યુગમાં સાઇબર સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો. આ સેમિનારમાં અંદાજે ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને ડિજિટલ યુગમાં કઈ રીતે સાઈબર ફ્રોડથી બચી શકાય છે એ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ