ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા-૨૦૨૫' પખવાડિયાને ઝૂંબેશરૂપે ઉજવવામાં આવ્યું હતું. આ અભિયાનની પૂર્ણાહૂતિ નિમિત્તે રામમંદિર ખાતે 'સ્વચ્છ ભારત દિવસ-૨૦૨૫'ની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'સ્વચ્છોત્સવ'ની ઉજવણી એક ઉત્સવ તરીકે કરવામાં આવી હતી. આ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં. સ્વચ્છતાના સંકલ્પ સાથે સ્વચ્છોત્સવની ઉજવણી એક તહેવારની ઉજવણી બની રહી હતી. આમ કહી તેમણે સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવા ઉપસ્થિત સર્વેને અપીલ કરી હતી.
ધારાસભ્ય ભગવાન બારડે સ્વચ્છતા ત્યાં પ્રભુતાની વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલા અને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પૂર્ણ થયેલા સ્વચ્છતા હી સેવા’ પખવાડિયા નિમિત્તે સફાઈ કર્મચારીઓ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે પરંતુ સફાઈ એ માત્ર શ્રમયોગીઓની જ નહીં પરંતુ સમગ્ર નાગરિકોની સહિયારી જવાબદારી છે. જો પ્રત્યેક વ્યક્તિ પોતાનું આંગણું સ્વચ્છ રાખશે તો સ્વચ્છ આંગણાથી સ્વચ્છ શહેર અને સ્વચ્છ શહેરથી સ્વચ્છ જિલ્લાની વિભાવના સાકાર થશે.
કલેક્ટર એન.વી.ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે, સ્વચ્છતાની સૌથી પહેલી શરૂઆત આપણાં મનથી થવી જોઈએ. જો દરેક નાગરિક સાચા મનથી સ્વચ્છતા પ્રત્યે સભાનતા રાખે તો સ્વચ્છતાનો ધ્યેય ખરા અર્થમાં સાકાર થશે. સ્વચ્છતા એ કોઈ એક દિવસનું અભિયાન નથી પરંતુ નાગરિકોના દૈનિક જીવનમાં સ્વચ્છતા એક ઉત્સવ તરીકે વણાઈ જવી જોઈએ. આમ કહી કલેક્ટરએ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને કચરામુક્ત બનાવવા માટે ઉપસ્થિત સર્વેને આહ્વાન કર્યું હતું.
સ્વચ્છતા પખવાડિયાની પૂર્ણાહૂતિ નિમિત્તે 'સ્વચ્છતા હી સેવા' પખવાડિયાની ઉજવણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા, શ્રેષ્ઠ ગ્રામપંચાયત, શ્રેષ્ઠ સામુહિક શૌચાલય, શ્રેષ્ઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શ્રેષ્ઠ પ્રાથમિક શાળા, શ્રેષ્ઠ આંગણવાડીના પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે આવેલા વિજેતાઓને સન્માનિત કરાયા હતાં. આ ઉપરાંત સ્વચ્છતા સંવાદ અને સ્વચ્છતા અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમજ શ્રેષ્ઠ વોર્ડ એવોર્ડ, ચિત્ર સ્પર્ધા, વેસ્ટ ટૂ આર્ટ સ્પર્ધા, એન.સી.સી, રંગોળી સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરાયા હતાં.
સ્વચ્છતા દિવસ નિમિત્તે સમુદાયના સભ્યો, વિદ્યાર્થીઓ, સખી મંડળો, સામાજિક કાર્યકરો, પંચાયતી રાજ સંસ્થાઓના સભ્યો અને અધિકારીઓ સહિત ઉપસ્થિત સર્વેએ એક સાથે જોડાઈને સામૂહિક સ્વચ્છતા માટે સંકલ્પબદ્ધ થયાં હતાં અને સૌએ બાદલપરા ગામની સિદ્ધિઓની ટૂંકી ફિલ્મ નિહાળી હતી. આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લાકક્ષાના આ કાર્યક્રમની સાથે જ 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની પૂર્ણાહૂતિ નિમિત્તે જિલ્લાભરમાં અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતાં.
આ કાર્યક્રમમાં વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી. ચૌહાણ, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, બાદલ હુંબલ સહિત ચીફ ઓફિસર અને નગરપાલિકાના સભ્યો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ